સુરતમાં મ્યુકરમાઈકોસીસ રોગે મચાવ્યો હાહાકાર
કોરોનાથી માંડ સાજા થયા પરંતુ ડાયાબિટીસ, બ્લડપ્રેશર સહિતની બીમારીથી પીડાતા લોકો હવે મ્યૂકરમાઈકોસિસની બીમારીમાં સપડાઈ રહ્યા છે, રાજ્યની સરકારો હોસ્પિટલોમાં આ રોગની સારવાર આપવા માટે નવા વોર્ડ ખોલવા તૈયારી શરૂ કરાઈ છે, એટલું જ નહિ પરંતુ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી જતાં આ રોગની સારવારમાં વપરાતા એમ્ફોટેરીસીન બી ઈન્જેક્શનની પણ સિવિલ હોસ્પિટલમાં તંગી વર્તાઈ રહી છે, જેને લઈ દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓની દોડધામ વધી ગઈ છે.
સુરતમાં પણ મ્યુકરમાઈકોસીસ રોગે હાહાકાર મચાવ્યો છે. માત્ર સુરતમાં જ 150થી વધુ દર્દી સામે આવી ચૂક્યા છે. અત્યાર સુધીમાં મ્યુકરમાઈકોસીસના 3 હોસ્પિટલમાં 91 ઓપરેશન કરવામાં આવ્યા છે. જેંમાથી અત્યાર સુધી 16 દર્દીના મોત થયા છે તો 10થી વધુ દર્દીઓએ પોતાની આંખ ગુમાવી છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલ, સ્મીમેર સહીત ત્રણ હોસ્પિટલમાં કુલ 91 દર્દીના ઓપરેશન કરવામાં આવ્યા છે. હાલ સુરતની સરકારી હોસ્પિટલમાં 68 કેસો છે. ત્યાં જ નવી સિવિલમાં 45 દર્દી અને સ્મીમેર હોસ્પિટલમાં 23 કેસ છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં 150થી વધુ દર્દી સારવાર હેઠળ છે. જણાવી દઇએ કે, આગાઉ વર્ષે બેથી ત્રણ દર્દી સારવાર માટે આવતા હતા. ત્યારે હવે દરરોજ 3 મ્યૂકરમાઈકોસિસના કેસ નોઁધાઇ રહ્યા છે.
મ્યૂકરમાઈકોસિસની સારવારમાં વપરાતા એમ્ફોટેરીસીન બી ઈન્જેક્શન બજારમાં ક્યાંય ઉપલબ્ધ નથી, જેને લઈ સારવાર લેતાં દર્દીઓની હાલત કફોડી થઈ રહી છે, સૂત્રો કહે છે કે, મ્યૂકરમાઈકોસિના કેસમાં ઉછાળો આવતાં ઈન્જેક્શનની માગમાં 500 ટકાનો વધારો થયો છે, અત્યારે માર્કેટમાં ઈન્જેક્શન માટે રોજની એક હજાર ઈન્કવાયરી આવી રહી છે, આ ઈન્જેક્શન છ કંપનીઓ બનાવે છે, સારવાર દરમિયાન દરરોજ એક દર્દીને છથી નવ ઈન્જેક્શનની જરૂરિયાત પડતી હોય છે. બજારમાં આ ઈન્જેક્શનની કાળા બજારી ન થાય તે માટે સરકારે ધ્યાન રાખવું જોઈએ તેવી માગણી પણ ઊઠી છે.