ગાંધીનગર

ગાંધીનગરમાં સોપારી લઇને શસ્ત્રો સાથે આવેલ અમદાવાદની કુખ્યાત ગેંગ ઝડપાઇ

ગાંધીનગર :

ગાંધીનગરમાં ચકચાર મચાવનાર જશું પટેલ હત્યાકાંડનો આરોપી અમદાવાદનો કુખ્યાત ગેંગસ્ટર ઈસ્માઈલ ઉર્ફે બસ્તી અબ્દુલ ગફૂર ખીલજી (પઠાણ) વર્ષો પછી ગાંધીનગરમાં ધાડનાં ગુનાને અંજામ આપવા ફરીવાર આવ્યો હતો. જેમાં પોતાની ગેંગ લઈ ઘાતક હથિયારો સાથે શહેરમાં આવી પહોંચ્યો હોવાની પૂર્વ બાતમીના આધારે ગાંધીનગર ક્રાઇમ બ્રાંચે સતર્કતા દાખવી ગેંગના 6 આરોપીઓને સેકટર 8 ની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાસેથી ઝડપી લઈ લેવામાં આવ્યા હતા. જોકે કુખ્યાત ગેંગસ્ટર બસ્તી ખાન ભાગી જવામાં સફળ રહ્યો હતો.

ગાંધીનગરમાં વર્ષો અગાઉ સલીમ દેવજી ડબલ મર્ડર પ્રકરણના આરોપી જશું પટેલની કુડાસણ જતા રોડ પર કરપીણ હત્યા કરવાના ગુનામાં અમદાવાદનાં મિર્જાપુરના કુખ્યાત ગેંગસ્ટર ઈસ્માઈલ ઉર્ફે બસ્તી અબ્દુલ ગફૂર ખીલજી (પઠાણ) ની ધરપકડ કરી લેવામાં આવી હતી. જેમાં જશું પટેલે સલીમ અને દેવજીને જીવતા ભૂંજી નાખી હત્યા કરી દીધી હતી. બાદમાં બસ્તીખાને સોપારી લઈને જશું પટેલનું ઢીમ ઢાળી દેતા ગાંધીનગરમાં ચકચાર મચી જવા પામી હતી.

ગાંધીનગર ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેકટર હરપાલસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ પી ડી વાઘેલાને બાતમી મળી હતી કે કુખ્યાત ગેંગસ્ટર બસ્તી ખાન ધાડનાં ગુનાને અંજામ આપવા ઘાતક હથિયારો સાથે તેની ગેંગ સાથે ગાંધીનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ વિસ્તારમાં આવી પહોંચ્યો છે. જેના પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘ-૩ સર્કલ થી ચ 3 સર્કલનાં વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. જેમાં સેકટર 7 ડી સ્ટાફ પી.એસ.આઈ એમ. એસ. રાણા પણ તેમના કાફલા સાથે આ વિસ્તારમાં દોડી ગયા હતા.

અચાનક પોલીસનો કાફલો આવી પહોંચતા ત્યાં ઉભી રહેલી એક ગાડીમાં છ જેટલા માણસો બેસીને ભાગવા લાગ્યા હતા. જ્યારે અન્ય ગાડીઓમાં બીજા દસેક માણસો પણ પોલીસને જોઈ ભાગવા લાગ્યા હતા. જેમનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ગેંગના છ માણસોને ઝડપી લીધા ધાડનો ગુનો બનતા અટકાવી દીધો હતો. ક્રાઇમ બ્રાંચે કડકાઈથી પૂછતાછ શરૂ કરતાં પકડાયેલા આરોપીઓએ પોતાના નામ ફિરદોશ ઈસ્માઈલ ખીલજી( રહે પાતળિયા હનુમાન મંદિર ની પાછળ મિર્ઝા પૂર અમદાવાદ) ગૌતમ વિનોદભાઇ મકવાણા (રહે 121 અરવિંદ મીલની ચાલી બાપુનગર), ધર્મેશ કેશવભાઈ પાટડીયા (બાપુનગર), અલ્પેશ દીપકભાઈ કતપરા (બાપુનગર), કમલ ઉર્ફે કમલેશ મનુભાઈ વસાવા (ઇન્દ્રોડા મન્સૂરી વાસ ગાંધીનગર) નીકીન કાનજીભાઈ પટેલ (રહે. 52, રાધે હોમ્સ સહજાનંદ સીટી ની બાજુમાં કુડાસણ), અફઝલ લાલભાઈ મનસૂરી, અજીજ તેમજ ઉજેફા નામના આરોપીઓ તથા અન્ય છ જેટલા લોકોની ગેંગ ગાંધીનગર ધાડ પાડવા આવી હોવાની કબૂલાત કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x