આરોગ્યગાંધીનગરગુજરાત

અમદાવાદ : એપોલો હોસ્પિટલ દ્વારા રૂ.1000 ચાર્જ લઇ વેક્સિન આપવાનો વિવાદ વધતા રાજ્ય સરકાર દ્વારા શું કરાઈ સ્પષ્ટતા, જાણો


અમદાવાદમાં રૂપિયા એક હજાર ચાર્જ લઇ વેક્સિન આપવાનો વિવાદ વધતા રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી, કે કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોને પણ ચાર્જેબલ બેઝીઝની છૂટ આપવામાં આવી છે. ચાર્જેબલ વેક્સિન તાત્કાલિક લેવા માંગતા હોય તેના માટે જ છે. કોરોના સંક્રમણ નિયંત્રણ માટેના અમોઘ શસ્ત્ર એવા કોરોના રસીકરણનો વ્યાપ વધારવા ભારત સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોને પણ ચાર્જેબલ બેઝીઝ ઉપર રસીકરણની છૂટ અપાઇ છે. તેમજ અમદાવાદ મહાનગરમાં એપોલો હોસ્પિટલ દ્વારા કોરોના વેક્સિનેશન ચાર્જેબલ બેઝીઝ પર શરૂ કરવામાં આવ્યું છે.

10 શહેરોમાં 18થી 44 વયના લોકોનું વેક્સિનેશન
આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ આ સંદર્ભમાં જણાવ્યું છે કે, રાજ્યમાં 7 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ગાંધીનગર તેમજ મહેસાણા, કચ્છ અને ભરૂચ એમ 10 સ્થળોએ તા.1 મે-2021થી 18થી 44ની વય જૂથના લોકોને સરકારી રસીકરણ કેન્દ્ર પરથી વિનામૂલ્યે વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

18થી 44 વયના લોકોનું 10.50 લાખને મળી વેક્સિન
અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં 10 લાખ 50 હજારથી વધુ 18 થી 44ની વય જૂથના લોકોને વેક્સિન અપાઇ ગઇ છે. એટલું જ નહિ, મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન અને દિશાનિર્દેશ મુજબ રાજ્યના વધુ યુવાઓને રસીકરણ અંતર્ગત આવરી લેવાની પ્રતિબદ્ધતા સાથે તા.24 મે થી 31મે દરમ્યાન એક સપ્તાહ સુધી દરરોજ 1.20 લાખ યુવાઓનું વેક્સિનેશન કરવાની શરૂઆત પણ આરોગ્ય વિભાગે કરી દીધી છે.

ખાનગી હોસ્પિટલો દ્વારા વેક્સિન ઉત્પાદકો પાસેથી જથ્થો લઈ વેક્સિનેશન
તેમણે સ્પષ્ટપણે ઉમેર્યુ છે કે, રાજ્ય સરકાર દ્વારા 18થી 44ની વયજૂથના લોકોને સરકારી રસીકરણ કેન્દ્રો પરથી આપવામાં આવતી વિનામૂલ્યે રસી ઉપરાંત આ વધારાની વ્યવસ્થા અમદાવાદ શહેરના યુવાઓ માટે એપોલો હોસ્પિટલે કરેલી છે. આવી ખાનગી હોસ્પિટલો પોતાની જરૂરિયાત મુજબનો વેક્સિન જથ્થો દેશના વેક્સિન ઉત્પાદકો પાસેથી સીધો મેળવીને આ વેક્સિનેશન કામગીરી કરે છે.

સંપન્ન લોકો માટે ઉભી કરી છે વધારાની વ્યવસ્થા
આરોગ્ય અગ્ર સચિવે વધુમાં જણાવ્યું છે કે, અમદાવાદમાં એપોલો હોસ્પિટલ દ્વારા ચાર્જેબલ બેઝીઝ પર શરૂ કરાયેલું વેક્સિનેશન એવા સંપન્ન લોકો-પરિવારો જેમને આ ફી પરવડી શકે તેમ છે, તેમજ જેઓ વેક્સિન તાત્કાલિક લેવા માંગે છે તેમના માટે ભારત સરકારની ગાઇડલાઇન મુજબ ઊભી કરાયેલી વધારાની વ્યવસ્થાના ભાગરૂપે છે. તેમણે એમ પણ ઉમેર્યુ કે, આવનારા દિવસોમાં આ વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ બનાવી સરકારી રસીકરણ કેન્દ્રોમાં વિનામૂલ્યે રસીકરણ ઉપરાંત ખાનગી હોસ્પિટલો દ્વારા ચાર્જેબલ બેઝીઝ પર વેક્સિનેશનની કામગીરીનું ફલક કોવિડ મહામારી સામેની લડતમાં રક્ષણ મેળવવાના હેતુ સાથે વધુ વ્યાપક બનાવવામાં આવશે.

40 લાખને જ બીજો ડોઝ મળ્યો
રાજ્યમાં અત્યારસુધી 1.60 કરોડ લોકોને રસી અપાઇ ચૂકી છે, જે કુલ વસતિના 23% થાય છે, જેમાંથી 1.20 કરોડને પહેલો ડોઝ, જ્યારે 40 લાખને બીજો ડોઝ પણ આપવામાં આવ્યો છે. 18% વસતિને પહેલો ડોઝ મળી ગયો છે, જ્યારે માત્ર 6% લોકોને જ બન્ને ડોઝ મળ્યા છે. નેશનલ પોપ્યુલેશન પ્રોજેક્શન રિપોર્ટના અંદાજ મુજબ, 2021માં ગુજરાતની કુલ વસતિ 6.79 કરોડ થઇ હશે, જેમાંથી પુરુષો 3.55 કરોડ, મહિલાઓ 3.23 કરોડ હશે. પ્રોજેક્શન મુજબ, 18થી 45 વર્ષની વયજૂથમાં 3.10 કરોડ વસતિ હોવાનો અંદાજ છે. 45 વર્ષથી વધારેની ઉંમરમાં 1.82 કરોડ વસતિ હોવાનો અંદાજ છે.

સૌથી વધુ રસીકરણ બનાસકાંઠામાં
અમદાવાદ શહેરમાં વસતિ મુજબ પહેલા ડોઝ માટે 16 %, જ્યારે બીજા ડોઝ માટે 5 % રસીકરણ કરવામાં આવ્યું છે. પહેલા ડોઝમાં વડોદરામાં 29 %, જ્યારે રાજકોટમાં 24 % રસીકરણ થયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ રસીકરણ બનાસકાંઠા જિલ્લામાં થયું છે. બનાસકાંઠામાં કુલ વસતિના 21%ને પહેલો ડોઝ, જ્યારે 4.7 %ને બીજો ડોઝ અપાયો છે.

18થી 45 વર્ષમાં માત્ર 8% લોકોનું રસીકરણ

  • હાલની સ્થિતિ – રાજ્યમાં 18થી 45 વર્ષની વયજૂથમાં અંદાજે 3.10 કરોડ વસતિ છે. અત્યારસુધીમાં આ વયજૂથમાં 25 લાખ લોકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે, એટલે કે માત્ર 8 ટકાને જ.
  • સંભાવના – દૈનિક એક લાખને રસી આપવાનું લક્ષ્ય છે. જો આ લક્ષ્યાંક જળવાયેલો રહે તો 15 જૂન સુધી કુલ 45 લાખ આસપાસ લોકોને રસી અપાઇ જશે, એટલે કે 15% આસપાસ થશે.

45+ના 54%ને પહેલો, 20%ને બંને ડોઝ મળ્યા

  • હાલની સ્થિતિ – 1.82 કરોડ લોકો 45 વર્ષથી ઉપરના છે. અત્યારસુધી 1.35 કરોડનું રસીકરણ થયું છે, એટલે કે લગભગ 75% લોકોના, જેમાંથી 54%ને પહેલો, 20%ને બંને ડોઝ મળ્યા છે.
  • સંભાવના – આ ગતિએ આગામી 20 દિવસમાં 1.15 કરોડ લોકોને પહેલો ડોઝ મળી જશે, જે આ વયજૂથમાં 63 ટકા હશે. 40 લાખને બન્ને ડોઝ મળી જશે, જે આ વયજૂથમાં અંદાજે 21 ટકા હશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x