સુરત : PI એ.પી.સલૈયાએ ફાર્મહાઉસમાં વિદાય સમારોહ યોજી પોલીસની આબરૂ કાઢી, કમિશનરે આપ્યા તપાસનાં આદેશ
સુરત :
સુરતમાં રાત્રિ કર્ફ્યૂમાં ફાર્મ હાઉસમાં પી.આઇ. એ.પી. સલૈયાનો વિદાય સમારંભ યોજાયો હતો. વિદાય સમારંભમાં રાખવામાં આવેલા ડિનરમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. સુરતમાં રાત્રે 8 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂ લાગુ થયો હોવા છતાં પોલીસ કર્મચારીઓએ કુમકુમ ફાર્મ હાઉસમાં પીઆઇ એ.પી.સલૈયાનો વિદાય સમારંભ યોજાયો અને કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. ગામને કર્ફ્યુથી લઈને નિયમોનાં ફરફરિયા પકડાવતી રેહતી સુરત પોલીસ માટે કર્ફ્યુ સમયે તેના જ કર્મચારી દ્વારા યોજાયેલી વિદાય પાર્ટી નીચાજોણા સમાન બની રહી છે. પોલીસનું જ જાહેરનામું અને પોલીસ કર્મચારી જ તેનો ભંગ પણ કરે છે. આ ફેરવેલ પાર્ટીનો વિડિયો વાયરલ થઈ જતા હવે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
સુરત પોલીસના પીઆઈ એ.પી.સલૈયાના વિદાય સમારોહ મુદ્દે તપાસના આદેશ અપાયા છે. પોલીસ કમિશ્નર અજય તોમરે આ કેસમાં તપાસના આદેશ આપ્યા છે. એડિશનલ પોલીસ કમિશ્નર પી એલ મલને તપાસ સોંપાઈ છે. રાત્રીના કરફ્યુ સમયે પીઆઈનો વિદાય સમારોહ યોજાયો હતો અને આ પાર્ટીમાં કોરોના કાળમાં પોલીસ અધિકારી જ નિયમોના ધજાગરા ઉડાડતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
સિંગણપોરમાંથી બદલી થયેલા PI એ.પી.સલૈયાની બદલી ઇકો સેલમાં કરાઈ અને તેમનો વિદાય સમારોહ રાત્રીના કરફ્યૂ સમયે યોજાયો હતો અને જેમાં મોટી સંખ્યામાં પોલીસ અને ખાનગી માણસોની હાજરી જોવા મળી હતી. બદલી કરાઈ તેમાં એટલી મોટી ઉજવણી કરાઈ અને જાણે શક્તિ પ્રદર્શન ચાલતુ હોય તેમ પોલીસ અધિકારીઓ અહી ઉમટી પડ્યા હતા.
PI સલૈયા જે અત્યાર સુધી સિંગણપોરનો ચાર્જ સંભાળતા હતા તેઓ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યાં છે તેમના પર ચાર લોકોને ખોટી રીતે ગોંધી રાખવાનો આરોપ હતો. બીજુ જોવાની વાત એ છે કે અહી સામાન્ય લોકો જો આ રીતે નિયમો તોડે તો તેમને હજારો રૂપિયાનો દંડ ભરવો પડે છે પરંતુ અહી તો પોલીસ જ નિયમો તોડી રહી છે તો તેમની સામે કોણ પગલા લેશે તે એક મોટો સવાલ ઉભો થયો છે.