બોર્ડના વિદ્યાર્થીઓ માઇન્ડ ફોગિંગના શિકાર
સુરતના જાણીતા સાઇકોલોજિસ્ટ ડોક્ટર મુકુલ ચોક્સીએ ધોરણ 12ના બોર્ડના વિદ્યાર્થીઓને લઈને વાતચીત કરી હતી, જેમાં તેમણે કેટલીક મહત્ત્વની બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. ડોક્ટર મુકુલ ચોક્સીએ પોતાની વાતની શરૂઆત કરતાં કહ્યું હતું કે વિદ્યાર્થીઓએ ઈશ્વર પાસે ખોટું નહોતું માગ્યું. વેકેશન માગ્યું હતું, પણ આટલું મોટું નહોતું માગ્યું. જોકે હાલ બોર્ડના વિદ્યાર્થીઓ માઈન્ડ ફોગિંગના શિકાર થઈ ગયા છે. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાને લઈને અનેક સવાલો કરી રહ્યા છે.
વિદ્યાર્થીઓમાં સૌથી વધુ જોવા મળતી સમસ્યા હાલના સમયમાં કંઈ છે?
વિદ્યાર્થીઓ અનિશ્ચિતતાના ભોગ બન્યા છે. ગયા વર્ષથી આજદિન સુધી સતત અનિશ્ચિતતાઓ તેમની સામે દેખાતી રહી છે. સ્કૂલ ક્યારે શરૂ થશે, કેટલા સમયમાં શરૂ થશે, કેવી રીતે શરૂ થશે, કોરોના સંક્રમણ ઓછું થશે કે કેમ, અમારી પરીક્ષા લેવાશે કે કેમ, લેવાશે તો ક્યારે લેવાશે અમે તૈયારી કરી શકશું કે નહીં. આ પ્રકારના હજારો પ્રશ્ન તેમના મનમાં થઈ રહ્યા છે, જેને કારણે માઈન્ડ ફોગિંગની સમસ્યા ઊભી થઇ છે.
આખરે ધોરણ 12ની પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો છે, વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ શું હશે?
મારી અત્યારસુધીની સાઇકોલોજિસ્ટ તરીકેની પ્રેક્ટિસમાં વિદ્યાર્થીઓ આટલી મૂંઝવણમાં હોઈ એવું જોવા મળ્યું નથી. વિશેષ કરીને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ અસમંજસમાં જોવા મળ્યા છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સતત માનસિક દબાણ હેઠળ છે. પરીક્ષા લેવાશે કે કેમ એને લઈને પણ અનેક મૂંઝવણ હતી, જેની સીધી અસર પરીક્ષાની તૈયારીઓ પર થઇ છે.
વિદ્યાર્થીઓને કેવી મુશ્કેલી આવી રહી છે, શારીરિક અને માનસિક રીતે?
વિદ્યાર્થીઓ ઓવર થિંકિંગ, અનિદ્રા, બેચેની, અશક્તિ જેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ ધોરણ 12 માટેની તૈયારીઓ શરૂ કરી દીધીને ઘણો સમય થઈ ગયો છે, પરંતુ પરીક્ષા લેવાશે કે કેમ એને લઈને સતત દિવસો લંબાતા રહ્યા અને એને કારણે સામાન્ય વિદ્યાર્થીઓ જે પરીક્ષાની તૈયારી કરતા હતા એના કરતાં ખૂબ લાંબા સમય વીતી ગયો છે અને તેઓ તૈયારીમાં જોતરાયા છે, જેની આડઅસર વિદ્યાર્થીઓની માનસિકતા પર થઈ છે. સાઇકોલોજીમાં કહેવાય છે કે એકને એક બાબત માટે માનસિક તૈયારી આપણે લાંબા સમય સુધી કરીએ તો એક સમયે આપણે હતાશામાં આવી જઈએ અથવા તો એક પ્રકારનો તે ભાર વહન કરતા હોય એવો ભાવ આવી જતો હોય છે, જેની વિદ્યાર્થીઓના પરિણામ પર પણ અસર થશે.
કોઈ ખાસ કિસ્સા તમારા ધ્યાન પર આવ્યા છે?
જે બિલકુલ શહેરના એક વિદ્યાર્થી જે ટોપ રેન્કર રહી ચૂક્યો છે તેની સ્થિતિ જાણીને મને પણ ખૂબ આશ્ચર્ય થયું છે. સતત પરીક્ષાની તૈયારી કરતો વિદ્યાર્થી હવે એકાએક પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે, ત્યારે એવું કહી રહ્યો છે કે હવે હું વાંચી શકું એવી સ્થિતિમાં નથી. માર્ચ મહિનામાં મારી પરીક્ષાને પૂરેપૂરી તૈયારી કરી લીધી હતી, હવે વારંવાર એ જ વસ્તુને હું રિપીટ કરીને પરીક્ષામાં બેસવા માટે સંપૂર્ણ કે માનસિક અસ્વસ્થ હતો, પરંતુ હવે એ જ પુસ્તકોને ફરીથી વાંચવાનો એક પ્રકારે મને માનસિક તાણનો અનુભવ થઈ રહ્યો છે, જે મે અત્યારસુધી ક્યારેય નહોતું અનુભવ્યું. હવે મારાથી તૈયારી થાય એવું મને લાગતું નથી અને બીજા જે વિદ્યાર્થી અત્યારસુધી તૈયારી નહોતી કરી તેઓ હવે સમય મળતાંની સાથે તૈયારી કરીને મારા કરતાં વધુ રેન્ક લાવશે, એવું સતત માનસિક ભાર મારા મનમાં ઉદભવી રહ્યો છે. આવી ગંભીર સ્થિતિમાં બાળકો જોવા મળી રહ્યાં છે, જે ખરેખર ખૂબ જ આશ્ચર્ય પમાડે છે.
ઘરના વાતાવરણનો ટ્રેસ બાળકો અને વિદ્યાર્થીઓ પર જોવા મળ્યો છે?
માતા-પિતાનું પરોક્ષ રીતનું દબાણ વિદ્યાર્થીઓ પર જોવા મળી રહ્યું છે. એ કેવી રીતે તેની આપણે વાત કરીએ રોજિંદા વાર્તાલાપમાં માતા-પિતા સતત પોતાના ઘરે બોર્ડની તૈયારી કરતાં પોતાનાં સંતાનોને કહેતાં રહે છે કે તારી પરીક્ષા જો લેવાઇ નથી એને એના માટે આ બધી માથાકૂટ ઊભી થઇ છે. તારી પરીક્ષા પૂરી થાય તો અમને પણ માનસિક શાંતિ થાય ને બીજા કામ કરવાની સમજ પડે. આ પ્રકારના સતત શબ્દો બાળકોને લાગવા લાગ્યા છે, જેની અસર બાળમાનસ પર સ્વાભાવિક રીતે થાય છે.
કોરોના સંક્રમણનો સમય વિદ્યાર્થીઓ પર કેવી રીતે મુશ્કેલી ઊભી કરી રહ્યો છે?
બાળકો છેલ્લા ઘણા સમયથી શાળાઓમાં ગયાં નથી. તેમના ફ્રેન્ડ સર્કલમાં તેઓ હળીમળી શક્યાં નથી. તેમને રિફ્રેશ થવા માટે જે વાતાવરણ હોવું જોઈએ એ મળી નથી રહ્યું, જેને કારણે સતત માનસિક તાણમાં તેઓ એકલતા અનુભવી રહ્યા છે. સામાન્ય રીતે પરીક્ષાની તૈયારી કરવા માટે પણ વિદ્યાર્થીઓ પોતાનું એક ગ્રુપની અંદર સતત ડિસ્કશન કરતા હોય છે અને અભ્યાસ કર્યા બાદ એકબીજાને મળવાનું પસંદ કરતા હોય છે. કર્ફ્યૂનો સમય આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે સાંજ પછી લગભગ લાગી જતો હોય છે. સામાન્ય રીતે બાળકો આઠથી દસ વાગ્યાના સમય દરમિયાન ફ્રી થતાં હોય છે એ સમય દરમિયાન તેઓ પોતાના મિત્રોની સાથે વાત કરવાનું પસંદ કરતા હોય અથવા તો મળવાનું પસંદ કરતા હોય છે અને તમામ પ્રવૃત્તિઓ અત્યારે બંધ થઈ ગઈ છે.
પરીક્ષા અંગે કયા પ્રકારની ચિંતા છે વિદ્યાર્થીઓમાં, જે તમારા સાથે ચર્ચા કરી રહ્યા છે?
મેં કહ્યું તેમ પરીક્ષા કેવી રીતે લેવાશે એ પણ આવનારા દિવસોની પરિસ્થિતિ બાદ નક્કી થઈ શકે એવી તેમને મનમાં શંકાઓ છે, પરીક્ષા ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન લેવાશે છે એને લઈને પણ વિદ્યાર્થીઓમાં સ્પષ્ટતા નથી. જો ઓનલાઇન લેવાય તો ઘણાબધા વિદ્યાર્થીઓને આજે મોબાઇલ લેપટોપ, કમ્પ્યુટર સ્ક્રીનનો પણ પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે, ઘણા એવી રીતે પરીક્ષા આપવામાં સહજ નથી થતા. ઓનલાઇન એકઝામ ન લેવાય એવી સતત વિચારણા કરી રહ્યા છે . આ પ્રકારની બાબતો વિદ્યાર્થીઓ પર અને તેનાં પરિણામો પર અસર કરી જાય છે.