IPL ની અધૂરી ટુર્નામેન્ટ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રમાશે : BCCIનો નિર્ણય
મુંબઇઃ
ભારતીય ક્રિકેટ બોર્ડની સ્પેશ્યલ જનરલ મીટિંગમાં આજે સત્તાવાર રીતે એવી જાહેરાત કરવામાં આવી હતી કે આઈપીએલની અધૂરી રહેલી ટુર્નામેન્ટ ૧૮ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર દરમ્યાન પૂરી કરવામાં આવશે. આ અધૂરી ટુર્નામેન્ટ યુએઇમાં રમાશે. બીસીસીઆઈના પ્રમુખ ગાંગુલીના સંચાલન હેઠળ હોદ્દેદારો અને એસોસિએશનના પ્રમુખોની વર્ચ્યુલ મીટિંગ યોજાઈ હતી. ગાંગુલી આ માટે મુંબઇ આવેલા.
આ વર્ષે આઈપીએલ ભારતમાં જ યોજાઈ હતી પણ ૨ મે ના રોજ ૬૦માંથી ૨૯ મેચો પૂરી થઇ હતી ત્યારે છ ખેલાડીઓ કોચ, ગ્રાઉન્ડ સ્ટાફ અને બસ ક્લિનરનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવતા જુદી જુદી ટીમોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. એટલું જ નહીં ક્વોરન્ટાઇનના નિયમ પ્રમાણે ટીમનો ખેલાડી પોઝિટિવ થાય તો અન્ય તમામ ખેલાડીઓને પણ ક્વોરન્ટાઇન થવું પડે.
જો આઈપીએલ રદ જ થાય તો ભારતીય ક્રિકેટ બોર્ડને ટીવી બ્રોડકાસ્ટર, પ્રાયોજકો તરફથી જે મળવાપાત્ર રકમ હોય તેમાં રૂ. ૨૨૦૦ કરોડની ખોટ જાય તેમ હતુ આથી તે કોઈપણ ભોગે સરભર કરવા ભારતીય ક્રિકેટ બોર્ડે ટુર્નામેન્ટ પૂરી કરવાની વિન્ડો શોધતુ હતુ. સદનસીબે છેક આગામી સાત મહિનાસુધીના ભરચક ક્રિકેટ વિશ્વના કેલેન્ડરમાં ૧૫ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર સુધીની તારીખોમાં એડજસ્ટ થઇ શકે તેમ હતું.
આ દરમ્યાન ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ જણાવી દીધું કે અમે અમારા કેલેન્ડરને વળગી રહીશું. અમે અમારા ક્રિકેટરોને આઈપીએલ માટે રીલીઝ નહીં કરીએ.
આજે મીટિંગમાં આ મુદ્દે પણ ચર્ચા થઇ હતી જેમાં ભારતીય ક્રિકેટ બોર્ડે મક્કમતા વ્યક્ત કરી હતી. બીસીસીઆઈએ અન્ય ક્રિકેટ બોર્ડને મેસેજ પાઠવ્યો હતો કે તમે તમારા કોઈ ખેલાડીઓને આઈપીએલની અધૂરી ટુર્નામેન્ટ રમવા ન મોકલો તેની સાથે અમારે કોઈ નિસ્બત નથી. અમે તો જે પણ ઉપલબ્ધ ખેલાડીઓ હશે તેનાથી ફ્રેન્ચાઇઝી તેની ટીમ બનાવે તેવો આગ્રહ રાખીશું. હવે આઈપીએલ અધૂરી ટુર્નામેન્ટ તો રમાશે જ.
આઈપીએલની અધૂરી ટુર્નામેન્ટનો કાર્યક્રમ હવે પછી જાહેર થશે. ૩૧ મેચોને ૨૧ દિવસોમાં પૂરી કરવાની હોઈ ૧૦ દિવસ એવા હશે કે જેમાં રોજની બે મેચો રમાશે. આ મેચોનો પ્રારંભ શનિવારથી થશે અને ફાઈનલ પણ શનિ કે રવિવારે જ રમાશે જેથી મહત્તમ દર્શકો તેને માણી શકે. જો કે બ્રોડકાસ્ટ અને પ્રાયોજકો બોર્ડના આ અધૂરી ટુર્નામેન્ટ પૂરી કરવાના નિર્ણયથી એટલા ખુશ નહીં હોય કેમ કે ઘણા વિદેશી ખેલાડીઓ નહીં હોય. જેઓ પણ રમશે તેઓનું લક્ષ્ય વર્લ્ડ કપ ટી -૨૦ કે જે ૨૪ ઓક્ટોબરથી રમાનાર છે તે જ હોઈ તેઓ ફિટનેસ જળવાઈ રહે તે ધ્યાન સાથે રમશે. દર્શકોને પણ આઈપીએલમાં હવે અધવચ્ચેથી ફરી રસ પેદા કરવો અઘરો પડશે તેમાં પણ ૧૦ મેચો બપોરે રમાશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ અને તે પછી ભારત ઇંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ રમીને તરત જ આઈપીએલ રમવા દુબઈ જશે તેથી ચાહકો પણ ક્રિકેટના અતિરેકથી કંટાળ્યા હશે. ક્રિકેટરો પણ થાક્યા હશે અને તેમાં પણ ટી-૨૦ વર્લ્ડ કપ આઈપીએલના અઠવાડિયા પછી જ શરૃ થશે. તેથી અંદરખાનેથી તેઓને પણ અગવડ અને તનાવ, થકાન ધરાવતું લાગશે જ.