મૃત વ્યક્તિને વેક્સિન આપીને સર્ટિફિકેટ સાથેનો મેસેજ પરિવારજનને મોકલી દીધો
ગોધરા: ગોધરાનું આરોગ્ય કેન્દ્ર જાણે વેક્સિનનો ટાર્ગેટ પૂરો કરવા માગતું હોય તેમ જે વ્યક્તિનું નિધન એક વર્ષ પહેલા થઈ ગયું છે તેને વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોવાનો સર્ટિફિકેટ સાથેનો મેસેજ તેમના નાના ભાઈને મોકલતા જ આરોગ્ય ખાતાની બેદરકારી છતી થઈ હતી.
ગોધરાના આઈટીઆઈ નજીક આવેલા ભરવાડ વાસમાં રહેતા અતુલભાઈ ડીંડોળેએ ૩૦ એપ્રિલના રોજ સાંપા પ્રાથમિક આરોગ્ય સંચાલિત જાફરાબાદ વેક્સિન સેન્ટર ખાતે કોરોનાની રસી મુકાવી હતી. ત્યારબાદ ગત ૨૬ મેના રોજ મોબાઈલ પર તેમને વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાવ્યો હોવાનો મેસેજ મળ્યો હતો. તેમની સાથે તેમના ભાઈ અને ભાભીએ પણ વેક્સિન ડોઝ લીધો હોવાની માહિતી અને સર્ર્ટિફિકેટની લીંક જોતા ચોંકી ઉઠયા હતા, કારણકે તેઓએ વેક્સિન હજુ લીધી જ નથી.
સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે આ બંને સાથે તેમના મોટાભાઈ કાલિદાસ ભીલ કે જેમનું અવસાન એક વર્ષ પહેલા થયું છે તેમણે પણ વેક્સિન લીધી હોવાનો મેસેજ મળતા તુરંત તંત્રમાં જાણ કરી હતી. આમ એક જ પરિવારના ત્રણ સભ્યો કે જેણે વેક્સિન લીધી જ નથી અને તેના ઓળખ પુરાવાનો દુરુપયોગ કરીને આરોગ્ય વિભાગે રસી લીધી હોવાની નોંધણી કરી દેતા તંત્ર એક્શનમાં આવ્યું છે.
આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રએ કથિત છબરાડામાં તાત્કાલિક અસરથી સાંપા પીએચસીના એમપીએચડબલ્યુ કૌશિક બારીયાને પ્રાથમિક તપાસ બાદ બરતરફ કરવાની સાથે સંલગ્ન પીએચસીના મેડિકલ ઓફિસર અને સુપરવાઈઝરની ઘોઘંબા તાલુકામાં બદલી કરી દેવાઈ છે. જિલ્લા વિકાસ અધિકારીએ કહ્યું કે જે પણ કર્મચારી આ બેદરકારીમાં જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરાશે.