આજથી શૈક્ષણિક સત્રનો શાળાઓમાં શિક્ષકોની 100% હાજરી સાથે ઓનલાઇન શિક્ષણનો પ્રારંભ
સતત બીજા વર્ષે પણ કોરોનાનું ગ્રહણ શૈક્ષણિક વર્ષને લાગ્યું હોય તેમજ વિદ્યાર્થીઓ વિના જિલ્લાની ખાનગી, સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક 1450 શાળાઓ તારીખ 7મી, સોમવારથી ખુલશે. કોરોનાની મહામારીને પગલે શાળાઓમાં શિક્ષકોની 100 ટકા હાજરી વચ્ચે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ અપાશે.
છેલ્લા સવા વર્ષથી વધુ સમયથી ચાલી આવતી કોરોનાની મહામારીની વચ્ચે શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ તારીખ 7મી, સોમવારથી થશે. જોકે કોરોનાની પ્રથમ લહેર કરતા બીજી લહેરનો મારની હજુ કળ વળી નથી. ત્યાં તો શાળાઓમાં ઉનાળું વેકેશન પૂર્ણ થતાં જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક ખાનગી અને સરકારી જિલ્લાની 1450 શાળાઓમાં પ્રથમ શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. જોકે કોરોનાની મહામારીને પગલે ગત વર્ષે ધોરણ-1થી 9 અને ધોરણ-11ને માસ પ્રમોશન આપી દીધું હતું. જોકે ગત વર્ષે ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષા લેવાઇ હતી. પરંતુ કોરોનાની બીજી લહેરને પગલે ચાલુ વર્ષે તો ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષા લેવામાં આવી નથી. ત્યારે શાળાઓમાં શરૂ થતાં નવા શૈક્ષણિક વર્ષમાં પણ શાળાઓ વિદ્યાર્થીઓ વિના ખુલશે.
મધ્યાહન ભોજનને બદલે અનાજ વિતરણ કરાશે
પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન આપવાની યોજના છે. જોકે કોરોનાની મહામારીને પગલે વિદ્યાર્થીઓને શાળાઓમાં બોલાવવામાં આવતા નથી. આથી મધ્યાહન ભોજન યોજના અંતર્ગત આવા વિદ્યાર્થીઓને કુકીંગ કોસ્ટ અને અનાજ વિતરણની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવશે.
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે નહીં
કોરોનાની મહામારીને પગલે સતત બીજા વર્ષે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવનાર નથી. આથી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1 અને માધ્યમિક શાળાઓમાં ધોરણ-9ના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કામગીરી શરૂ કરવાની રહેશે.
વિદ્યાર્થીઓને ઘરે પાઠ્ય પુસ્તકો મળી રહે તેવી વ્યવસ્થા શાળાએ કરવાની રહેશે
વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ સરકારી અને ગ્રાન્ટેડ ધોરણ-1થી 12ના વિદ્યાર્થીઓને મફત પાઠ્ય પુસ્તકો આપવામાં આવે છે. આથી તારીખ 7મી, સોમવારથી તારીખ 18મી, શુક્રવાર સુધીમાં વિદ્યાર્થીઓને ઘરે પાઠ્ય પુસ્તકો મળી જાય તેવી વ્યવસ્થા શાળાએ કરવાનો આદેશ રાજ્યના શિક્ષણ વિભાગના નાયબ સચિવે કર્યો છે.
ખાનગી શાળાએ આરટીઇના વિદ્યાર્થીઓને સાહિત્ય મોકલવા આદેશ કરાયો છે
ફરજિયાત શિક્ષણના કાયદા મુજબ ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહે નહી તે માટે ઓનલાઇન શિક્ષણની સાથે સાથે છાપેલા સાહિત્યને પહોંચાડવાની વ્યવસ્થા ખાનગી શાળાઓએ કરવાનો શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે.
ધોરણ -1 અને 9ના વિદ્યાર્થીઓની સંપૂર્ણ માહિતીની ડેટા એન્ટ્ર્ી ડાયસમાં કરવી
જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં તારીખ 7મી, સોમવારથી ધોરણ-1 અને ધોરણ-9માં પ્રવેશ આપવાની કામગીરી શરૂ કરાશે. ઉપરાંત પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓની સંપુર્ણ માહિતીની ડેટા એન્ટ્રી ડાયસમાં કરવાનો શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે.