પંજાબમાં અકાલી દળ સાથે માયાવતીનું ગઠબંધન થતાં ભાજપની જગ્યા બસપા લેશે
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં અકાલી દળે પોતાના જૂના સાથીદાર ભાજપ સાથેનો નાતો તોડી નાંખ્યો હતો. પંજાબમાં પણ બંને વચ્ચેનુ ગઠબંધન પડી ભાંગ્યુ હતુ.
હવે અકાલી દળે પંજાબમાં વિધાનસભાની આગામી વર્ષે યોજાનારી ચૂંટણી લડવા માટે નવો સાથીદાર શોધી લીધો છે. આ ચૂંટણી માટે અકાલી દળે માયાવતીની પાર્ટી બહુજન સમાજ પાર્ટી સાથે હાથ મિલાવ્યા છે. અકાલી દળના નેતા અને અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે ગઠબંધનનુ એલાન કરતા કહ્યુ તહુ કે, પંજાબની રાજનીતિમાં આજનો દિવસ નવો છે. બંને પાર્ટીનુ ગઠબંધન આગામી ચૂંટણીમાં મોટી જીત મેળવશે.
અકાલીદળનુ બસપા સાથે ગઠબંધન કરવાનુ એક કારણ એ પણ છે કે, પંજાબમાં કોઈ પણ ચૂંટણીમાં અનુસૂચિત જાતિના વોટનુ મહત્વ વધારે છે. કારણકે પંજાબની વસતીમાં 33 ટકા સંખ્યા દલિતોની છે. આમ તેમને રીઝવવા માટે બસપાનો હાથ અકાલીદળે પકડયો હોવાનુ જાણકારો કરી રહ્યા છે. રાજ્યમાં 23 બેઠકો પર દલિતોના મત નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. બસપાને 18 બેઠકો ફાળવવામાં આવી શકે છે. પંજાબમાં વિધાનસભાની કુલ 117 બેઠકો છે. પહેલા અકાલીદળ અને ભાજપનુ જોડાણ હતુ ત્યારે ભાજપને 23 બેઠકો ફાળવવામાં આવતી હતી.
25 વર્ષ બાદ આ બંને પાર્ટીઓ સાથે ચૂંટણી લડવા જઈ રહી છે. છેલ્લે 1996માં તેમણે જોડાણ કર્યુ હતુ અને પંજાબમાં 13માંથી 11 લોકસભા બેઠકો પર જીત મેળવી હતી.
અકાલી દળે ગયા સપ્તાહે જ જાહેર કર્યુ હતુ કે, મારી પાર્ટી કોંગ્રેસ ,ભાજપ અને આપને છોડીને કોઈ પણ પાર્ટી સાથે જોડાણ કરવા માટે તૈયાર છે. ભાજપ સાથે આગળ વધવાની શક્યતાઓ ખતમ થઈ ગઈ છે.