ગાંધીનગર મહાનગર કોરોના મુક્ત, આજે ગ્રામ્યમાં માત્ર એક જ કેસ નોંધાયો
ગાંધીનગર :
ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી કોરોના સંક્રમણનાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયા બાદ આજે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તાર કોરોના મુક્ત થઇ ચૂક્યો છે. જ્યારે ગ્રામ્યના શાહપુરની 21 વર્ષીય યુવતી કોરોના પોઝિટિવ આવી હોવાની સરકારી ચોપડે નોંધ કરાઈ છે અને જિલ્લામાં આજે 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. બીજી તરફ આવતીકાલે વિશ્વ યોગ દિનથી જિલ્લામાં કોરોના વેક્સિનેશન મહા અભિયાનનો પ્રારંભ પણ કરવામાં આવનાર છે.
ગાંધીનગર સહિત રાજય ભરમાં કોરોના સંક્રમણ ઘટવા લાગતા પ્રજા સહિત આરોગ્ય તંત્રએ રાહતનો દમ લીધો છે. છેલ્લા ઘણા દિવસોથી જિલ્લામાં કોરોના સંક્રમણનાં કેસમાં ઘટાડા સાથે ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા વધુ નોંધાઈ રહી છે. ત્યારે આજે ગાંધીનગર કોર્પોરેશનમાં સમાવિષ્ટ શહેરી વિસ્તારમાં એક પણ કોરોના કેસ મળી નહીં આવતાં તંત્રને રાહત થઈ ગઈ છે.
આજે કોર્પોરેશન વિસ્તારમાં કોરોના મુકત થવાની સાથે 05 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગ્રામ્ય ના શાહપુર ગામની 21 વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને હોમ આઈસોલેશન કરવામાં આવી છે અને 06 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે આજે એક જ દિવસમાં 40 સેન્ટરો પરથી 3હજાર 659 લાભાર્થીને ટીકાકરણ કરવામાં આવ્યું હતું.