ગુજરાત

સિદ્ધપુરમાં આભ ફાટ્યું :2 કલાકમાં 4 ઇંચ વરસાદ

Patan : રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 33 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. તો પાટણ જિલ્લામાં પણ હળવોથી ભારે વરસાદ પડી રહ્યો છે. સિદ્ધપુરમાં (Sidhdhpur) આભ ફાટ્યું છે.

સિદ્ધપુરમાં ગત મોડી રાતે 5 ઈંચ જેટલો વરસાદ ખાબકતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે. સિધ્ધપુરના રસુલ તળાવમાંથી લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘુસ્યા છે. રસુલ તળાવ આસપાસના 250 જેટલા ઘરમાં પાણી ઘુસ્યા છે.

મોડી રાત્રે પડેલ વરસાદને લઈ લોકોની ઘર વખરીને મોટું નુકસાન થયું છે. રસુલ તળાવ આસપાસથી 50 થી વધુ પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ વિસ્તારના લોકો છેલ્લા 50 વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં મોડી રાત્રેથી લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા. સિદ્ધપુરમાં વરસાદને લઈને ડીઝાસ્ટર મેનેજમેન્ટ સતર્ક બન્યું છે.

સિઘ્ઘપુર મામલતદાર સહિત પાલિકાની ટીમો કાર્યરત કરી છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં આવેલ મકાનોમાં પાણી નીકાલ માટે આદેશ આપ્યા છે. જો લોકોને ફૂડ પેકેટ આપવાની જરૂર જણાશે તો એ પણ વ્યવસ્થા કરવામાં આવશે. નોંધનીય છે કે, રાતે 2:45 વાગ્યે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી. ભારે વરસાદને પગલે અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઇ ગઈ હતી.

ભારે વરસાદને પગલે મકાન ધરાશયી થવાનો બનાવ પણ બન્યો છે. સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x