ગુજરાતધર્મ દર્શન

રથયાત્રા પણ કોરોનાની સ્થિતિને જોઈ યોજવામાં આવશે

કોરોના મહામારીને લઈ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા યોજાશે કે કેમ એના પર હજી સરકારે કોઈ નિર્ણય લીધો નથી. જોકે રથયાત્રા પહેલાં આજે ગુરુવારે જળયાત્રા મહોત્સવ યોજાઈ રહ્યો છે. જમાલપુર જગન્નાથ મંદિરમાં જળયાત્રા મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે. જળયાત્રા મંદિરેથી સાબરમતી જમાલપુર પાસે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પહોંચી હતી, જ્યાં જળયાત્રાની પૂજા શરૂ થઈ હતી. હવે પાંચ કળશમાં જળ ભરીને મંદિરમાં લાવવામાં આવ્યું અને એનાથી ભગવાનનો જળાભિષેક શરૂ થયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ સાબરમતી નદીમાંથી જળ કળશમાં ભર્યું હતું. મંદિરની પૂજામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પક્ષના નેતા સહિતના એકપણ સત્તાધીશો પૂજામાં હાજર રહ્યા નથી.

મંદિરમાં પણ વેક્સિનેશન સેન્ટર શરૂ કરાયું: નીતિન પટેલ
ભગવાનના જળાભિષેક બાદ નીતિન પટેલે જણાવ્યું કે, આજે જગન્નાથ મંદિરમાં અનેરો મહોત્સવ યોજાયો છે. ગૃહમંત્રી અને ટ્રસ્ટીઓની હાજરીમાં જળ લાવી અને મર્યાદિત સંખ્યામાં ભગવાનનો પવિત્ર જળથી જળાભિષેક કર્યો છે. તમામ ધાર્મિક વિધિ પૂર્ણ કરવામાં આવી છે. વેક્સિનેશનનું કામ સરકાર દ્વારા પુરજોશમાં હાથ ધરાયુ છે. મંદિરમાં પણ વેક્સિનેશન સેન્ટર શરૂ કરાયું છે. અમદાવાદ પોલીસની મદદથી આ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. દર વર્ષે અમદાવાદના ધારાસભ્ય તરીકે પ્રદીપસિંહ મંદિરમાં મદદ કરે છે. સરકારના સહયોગમાં રહી રથયાત્રા અંગે નક્કી કરવામાં આવશે.

મંદિરના મહંતે જણાવ્યું કે, 144મી રથયાત્રા પહેલા આજે જળયાત્રા યોજાઈ છે. કોરોનાને ધ્યાનમાં રાખી અને મર્યાદિત લોકોમાં આ મહોત્સવ યોજાયો છે. રથયાત્રા પણ કોરોનાની સ્થિતિને જોઈ યોજવામાં આવશે.

જળયાત્રામાં 50થી ઓછા લોકો હાજર
મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે રથયાત્રા પહેલાં જેઠ મહિનાની પૂનમના દિવસે જળયાત્રા મહોત્સવ યોજાતો હોય છે. ગંગા નદીનું પાણી લાવી એનાથી ભગવાનનો અભિષેક કરવામાં આવતો હોય છે. આવતીકાલે પૂનમના દિવસે 108 કળશમાં નદીનું જળ ભરીને મંદિરમાં લાવવામાં આવે છે. બાદમાં ભગવાનનો અભિષેક કરી ભગવાન ગજવેશ ધારણ કરે છે. બપોર બાદ ભગવાન મામાના ઘરે જશે. કોરોનાની ગાઇડલાઇન્સના પાલન સાથે 50થી ઓછા લોકો હાજર રહ્યા છે, જેમાં માત્ર મંદિરના મહંત અને ટ્રસ્ટીઓ જ જોડાયા હતા.

રથયાત્રા યોજાશે કે કેમ એ અંગે હજી નિર્ણય લેવાયો નથી
જળયાત્રામાં 1 ગજરાજ, 5 ધજા અને 5 કળશ સાથે જળયાત્રા યોજવામાં આવશે. સાબરમતી નદી કિનારે સોમનાથ ભૂદરના આરેથી કળશમાં પાણી ભરીને મંદિરમાં લાવવામાં આવે છે. દર વર્ષે 108 કળશમાં પાણી ભરી વાજતેગાજતે જળયાત્રા યોજાય છે, પરંતુ કોરોના મહામારીને કારણે જળયાત્રા સાદાઈથી ઓછા લોકો અને ભક્તો વિના યોજાશે. મંદિરમાં જળયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભગવાનની 144મી રથયાત્રા યોજાશે કે કેમ એ અંગે હજી નિર્ણય લેવાયો નથી.

જમાલપુર અને સરસપુર મંદિરમાં આવનારા લોકો માટે કોરોના ટેસ્ટ, રસી મળી રહે એવી વ્યવસ્થા ગોઠવાશે
જમાલપુર અને સરસપુરના મંદિરમાં આવનારા દર્શનાર્થીઓનો કોરોના ટેસ્ટ થઈ શકે અને રસી મળી રહે એવી વ્યવસ્થા પણ પોલીસે ઊભી કરી છે. આ બંને મંદિરમાં રથયાત્રા સુધી 24 કલાક ચાલુ રહે એવાં દવાખાનાં શરૂ કરાશે, જેનું ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા લોકાર્પણ કરશે. મંદિરમાં આવતા દર્શનાર્થીઓને મેડિકલ ટેસ્ટિંગ બાદ જ મંદિરમાં પ્રવેશ અપાશે. ઉપરાંત રથયાત્રામાં જોડાનારા ખલાસી ભાઈઓ સહિત તમામ માટે રસી ફરજિયાત કરાઈ છે. બંદોબસ્તમાં તહેનાત રહેનારા પોલીસ કર્મચારીઓએ રસીના 2 ડોઝ લઈ લીધા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x