ડાકોરધામ અષાઢી પૂનમ નિમિત્તે કોરોના ગાઈડલાઈન પ્રમાણે ભક્તો માટે ખુલ્લું રહેશે
નડિયાદ :
ખેડા જિલ્લાના પ્રસિદ્ધ ડાકોરધામ અષાઢી પૂનમ નિમિત્તે કોરોના ગાઈડલાઈન પ્રમાણે ભક્તો માટે ખુલ્લું રહેશે. લાંબા સમય પછી ભક્તો પૂનમને દિવસે રણછોડરાયજીના દર્શન કરી શકશે.
મળતી માહિતી પ્રમાણે આજે પૂનમને દિવસે સવારે પાંચ વાગ્યે નીજમંદિર ખુલશે અને સવા પાંચના અરસામાં મંગળાઆરતી કરવામાં આવશે. સવારે ૫-૨૦થી ૯-૦૦ વાગ્યા સુધી વૈષ્ણવો માટે દર્શન ખુલ્લા રાખવામાં આવશે. ૯થી ૯.૦૦ ઠાકોરજી બાલભોગ, શૃંગારભોગ અને ગોવાળભોગ આરોગવા બીરાજ. તે દરમિયાન દર્શન બંધ રહેશે. ૯-૩૦એ આરતી થશે તે સમયે દર્શન બંધ રહેશે. ત્યારબાદ ૯.૩૫થી ૧૧.૦૦ વાગ્યા સુધી વૈષ્ણવો માટે દર્શન ખુલ્લા રહેશે. ૧૧થી ૧૧.૩૦ ઠાકોરજી રાજભોગ આરોગવા બીરાજશે અને ૧૧.૩૦એ રાજભોગ આરતી થશે. તે દરમિયાન દર્શન બંધ રહેશે. ૧૧.૩૫થી ૨.૦૦ વાગ્યા સુધી વૈષ્ણવો માટે દર્શન ખુલ્લા રહેશે. ત્યારબાદ ઠાકોરજી પોઢી જશે. ૩.૪૫એ નીજમંદિર ખુલશે અને ૪.૦૦ વાગ્યે ઉથ્થાપન આરતી કરવામાં આવશે. તે પછી વૈષ્ણવો માટે દર્શન ફરી ખુલશે.
આ સાથે વૈષ્ણવો માટે સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી છે. મંદિર પરિસરમાં પ્રવેશ અને દર્શન દરમિયાન કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. માસ્ક પહેરવું અને હાથ સેનિટાઈઝ કરવા સહુ માટે ફરજિયાત હશે. પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. નીજમંદિરમાં પ્રવેશ બંધ છે. મંદિરની પરિક્રમા પણ બંધ રાખવામાં આવી છે. પૂનમના દિવસે બહારના રાજભોગ, ગાયપૂજા અને તુલા પણ બંધ રાખવામાં આવ્યા છે. ધજા લઈને મંદિરમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં, ધજા મુખ્ય દરવાજાની બહાર જમા કરાવવાની રહેશે.