ગાંધીનગરગુજરાત

ખાનગી સ્કૂલોમાં કોઇ નવો નિર્ણય જાહેર ન થાય ત્યાં સુધી ફીમાં 25% રાહત : ભુપેન્દ્રસિંહ ચુડાસમાં

કોરોનાને કારણે હજારો પરિવારો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. અનેક પરિવારોએ વડીલની કે ઘર ચલાવતી વ્યક્તિ ગુમાવી છે, ત્યારે બારે માસ ચાલતા સ્કૂલ ફીના સકંજામાંથી વાલીઓને રાહત મળતી નથી. ગઈકાલે સરકારે 25 ટકા ફી ઘટાડો યથાવત્ રાખવાની જાહેરાત કરતાં જ સંચાલક મંડળે મોઢું બગાડીને કોર્ટમાં જવાની ચીમકી આપી દીધી છે. ત્યારે સરકાર અને એની જ મંજૂરીથી ચાલતી સ્કૂલો વચ્ચે ફીના મામલે વધુ એક નાટક શરૂ થઈ રહ્યું હોવાનું વાલીઓ સમજવા લાગ્યા છે.

શિક્ષણ વિભાગ સંચાલકોથી ચાલી રહ્યો છેઃ વાલીમંડળ
આ અંગે ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે શિક્ષણમંત્રી વાલીઓને ગુમરાહ કરી રહ્યા છે, ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળા મારતા હોય એવી શિક્ષણમંત્રીની જાહેરાત છે. મોટા ભાગની સ્કૂલોએ વાલીઓ પાસેથી બે ક્વાર્ટરની ફીના ચેક પણ ઊઘરાવી લીધા છે. રાજ્યનો શિક્ષણ વિભાગ સંચાલકોથી ચાલી રહ્યો છે અને વાલીઓને સતત અન્યાય કરી રહ્યા છે. શિક્ષણમંત્રીની ફી માફીની જાહેરાત એ ચૂંટણીમાં મત મેળવવા અને આમઆદમી પાર્ટીના ડરથી કરવામાં આવી હોવાનું દેખાઈ રહ્યું છે.

કોરોનાને કારણે સ્કૂલોમાં ઓફલાઇન શિક્ષણ બંધ છે
માર્ચ 2020થી જ કોરોનાને કારણે સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ બંધ છે. સ્કૂલોના સંચાલકોને કોઈપણ પ્રકારનો ભૌતિક ખર્ચો થતો નથી. એ ઉપરાંત ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડતાં બચી ગયું છે, પરંતુ હજારો પરિવારનાં ઘરમાંથી કોરોના વાયરસ લાખો રૂપિયા ઉસેડી ગયો છે. ઓનલાઈન ભણાવવા માટે વધુ સાધનો વસાવવા માટે પણ મોટા ખર્ચ થયા છે. પ્રાથમિકતામાં આ શિક્ષણ ‘વન-વે’ જેવું અને ક્યારેક કયારેક હસવું આવે એ રીતે ચાલતું હોય છે છતાં ફી ઘટાડવા સંચાલકો હજુ તૈયાર થયા નથી. હવે શાળા-સંચાલકો સરકાર ચલાવે છે કે સરકારની મંજૂરીથી સ્કૂલો ચાલે છે એ નક્કી કરતી ફિલ્મ ફરી વાલીઓએ જોવી પડશે.

ફીમાં રાહત આપવાની વાલીઓએ રજૂઆતો કરી હતી
કોરોના મહામારીને પગલે લોકોની આર્થિક પરિસ્થિતિ કથળી હોવાથી ખાનગી સ્કૂલોને ફીમાં રાહત આપવાની વાલીઓએ રજૂઆતો કરી હતી. કોરોનાને પગલે મોટા ભાગના લોકોના પગાર અથવા આવકમાં કાપ આવ્યો છે. અનેક લોકોની તો નોકરી પણ છૂટી ગઈ છે. ત્યારે સરકારે જરૂરિયાતમંદ વાલીઓના હિતમાં નિર્ણય લીધો છે. જે અંતર્ગત ખાનગી સ્કૂલોમાં કોઈ નવો નિર્ણય જાહેર ન થાય ત્યાં સુધી ફીમાં 25 ટકાની રાહત યથાવત્ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે, એમ રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરતાં જણાવ્યું હતું.

ખાનગી સ્કૂલો ફીમાં વધુ રાહત આપવા માટે રાજી નથી
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રવક્તા દીપક રાજ્યગુરુએ કહ્યું હતું કે શિક્ષણમંત્રીના નિવેદન બાદ સંચાલકો મંડળના હોદ્દેદારોની ઓનલાઇન મીટિંગ યોજાઇ હતી, જેમાં સ્પષ્ટતા કરાઇ છે કે શિક્ષણમંત્રીના ફી માફીના નિવેદન સાથે અમે સંમત નથી. વર્ષ 2020-21માં અમે 25 ટકા ફી માફ કરી હતી. જો સરકાર ચાલુ વર્ષે પણ ફી માફી અંગેનું જાહેરનામું બહાર પાડશે તો ન છૂટકે શાળા સંચાલક મહામંડળને કાનૂની પગલાં લેવાં પડશે.

શિક્ષણ વિભાગે શૈક્ષણિક વર્ષ માટેની ફી અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી
નવા શૈક્ષણિક વર્ષમાં ફીનો મુદ્દો ફરી ચર્ચામાં છે. વાલીઓએ પણ આ વર્ષે ફી માફીની માગ કરી છે. શિક્ષણમંત્રીએ સ્કૂલોની ફીને લઇને સ્પષ્ટતા કરી હતી કે નવો નિર્ણય ન થાય ત્યાં સુધી જૂની ફોર્મ્યુલા પ્રમાણે સ્કૂલ ફીમાં 25 ટકા રાહત ચાલુ રહેશે. સંચાલકોએ સ્પષ્ટ કર્યું હતું કે જો આ વર્ષે સરકાર ફી માફીની જાહેરાત કરશે તો અમારે કાનૂની પગલાં લેવાં પડશે. શિક્ષણ વિભાગ તરફથી નવા શૈક્ષણિક વર્ષ માટેની ફી અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, તેથી સંચાલકો નવા સત્રની પૂરી ફી ઊઘરાવે છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે નવો નિર્ણય ન થાય ત્યાં સુધી જૂની ફોર્મ્યુલા પ્રમાણે સ્કૂલ ફીમાં 25 ટકા રાહત ચાલુ રહેશે. નવો નિર્ણય આવનારા સમયમાં લેવાશે. ત્યાં સુધી જૂની ફોર્મ્યુલા લાગુ રહેશે.

સ્કૂલ-સંચાલકોના ખોળામાં બેઠેલી સરકારને વાલીઓની ચિંતા નથીઃ વાલીઓ
કોરોનાને કારણે વાલીઓના ધંધા-રોજગાર પડીભાગ્યાં છે. આ તમામ પાસાંને ધ્યાનમાં રાખી ચાલુ વર્ષે સ્કૂલ ફીમાં 50 ટકાની રાહત મળવી જોઈએ એવી માગ ઊઠી હતી. વાલીઓ એમ પણ જણાવી રહ્યા છે કેસીબીએસઈ બોર્ડની સ્કૂલોમાં નવું શૈણિકસત્ર એપ્રિલ માસથી શરૂ થયું છે, જેથી સરકારે ફી રાહતને લઈ શા માટે આટલો વિલંબ કર્યો? સ્કૂલો ફી વસૂલી શરૂ કરે એ પહેલાં રાહતની જાહેરાત કરવી જોઈતી હતી. દેખીતી રીતે જ ખાનગી સ્કૂલ-સંચાલકોના ખોળે બેઠેલી સરકારને કોરોનાકાળમાં હાલાકી ભોગવતા વાલીઓની કોઈ ચિંતા નથી એ સ્પષ્ટ થયું હોવાની પણ ફરિયાદ ઊઠી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x