ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન માટે કોર્ટમાં અરજી, હાઈકોર્ટે સરકારને ફટકારી નોટિસ
ધોરણ 10ના ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. અરજીમાં રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ વહેલા પરિણામથી ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રવેશમાં પૂરતી તક નહિ મળે તેવો પણ દાવો કરવામાં આવ્યો છે. અને માસ પ્રમોશનવાળા સાથે ઓપન સ્કૂલનું પરિણામ જાહેર કરવા માગ કરી છે. ત્યારે આ મામલે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને શિક્ષણ બોર્ડને નોટિસ ફટકારી છે.જો કે વધુ સુનાવણી આવતા સપ્તાહે હાથ ધરાશે. આપને જંણાવી દઈએ કે, ધોરણ 10ના ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાની તૈયારી દર્શાવી છે. પરંતુ માસ પ્રમોશનવાળા વિદ્યાર્થીઓનું પરિણામ વહેલું આવે તો ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓને વધુ માર્ક્સ મળવા છતાંય પ્રવેશમાં તેમની સાથે અન્યાય થશે તેવી આશંકા સેવાઈ રહી છે. આથી માસ પ્રમોશનવાળા સાથે ઓપન સ્કૂલનું પરિણામ જાહેર કરવા માગ કરી છે.
ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન માટે કોર્ટમાં અરજી
તો આ તરફ ઓલ ગુજરાત વાલી મંડળે ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓને લઈ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. વાલી મંડળના પ્રમુખે કહ્યું કે, એક માનવતાના મુદ્દે અમે વિદ્યાર્થીઓ માટે અરજી કરી છે. જો કોરોનાના કારણે જ ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હોય તો, શું રિપીટર વિદ્યાર્થીઓને કોરોના થવાનો નથી. શા માટે સરકાર આ પ્રકારનું સાહસ કરી રહી છે. હજુ પણ 18થી નીચેના બાળકોને વેક્સિન અપાઈ નથી. આમ છતાં તેમની પરીક્ષા ગોઠવવામાં આવી છે. આ કારણે જ અમે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે.