રાજ્યમાં ૧૫ જુલાઈથી શાળાઓ અને કોલેજો ખોલી શકાશે. જાણો સરકારે શું કરી જાહેરાત
રાજ્યમાં 15મી જુલાઇ 2021 ગુરુવારથી ધો.12ના વર્ગો, પોલિટેકનિક સંસ્થાઓ અને કોલેજો 50% કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે. આવી સંસ્થાઓમાં વિદ્યાર્થિઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે. આમ ધોરણ 12ના 5 લાખથી વધુ વિદ્યાર્થીનો ઓફ લાઈન અભ્યાસ શરૂ થશે.
કોર કમિટીની આ બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, શિક્ષણ અગ્ર સચિવ એસ. જે. હૈદર, મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર અને શિક્ષણ સચિવ વિનોદ રાવ ઉપસ્થિત રહ્યા હતા.
ગત માર્ચમાં ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ત્રાટકતા રાજ્ય સરકારે શરૂઆતમાં 8 મનપા એટલે કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર,જૂનાગઢ અને ગાંધીનગરમાં તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં 19 માર્ચ-2021થી પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.
બરાબર એક વર્ષ બાદ ફરી સ્કૂલ-કોલેજો બંધ કરી હતી
ગત વર્ષે સ્કૂલ-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય 16 માર્ચથી બંધ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન તબક્કાવાર ધોરણ 6થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલવામાં આવી હતી, પરંતુ એક વર્ષમાં જ કોરોનીની સ્થિતિ ત્યાંની ત્યાં જ આવી જતાં 18 માર્ચે ચાર મહાનગરોમાં ફરી સ્કૂલ-કોલેજો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.