વ્યાજ દર વધશે કે ઘટશે ? ભારતીય રિઝર્વ બેંક (RBI) આજે કરશે જાહેરાત
નવી દિલ્હી :
ભારતીય રિઝર્વ બેંક (RBI) આજે તેના દ્વિ-માસિક નાણાકીય નીતિ નિર્ણયની જાહેરાત કરશે. RBIના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં બુધવારથી શરૂ થયેલી નાણાં નીતિ સમિતિ (RBI Monetary Policy) ની ત્રણ દિવસીય બેઠકમાં નિર્ણય આજે આવશે. RBI ગવર્નર આજે જાહેરાત કરશે કે બેઠકમાં ક્યાં નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય કે નાણાંકીય નીતિ સમિતિ (MPC) દર બે મહિને નીતિના વ્યાજદર નક્કી કરવા માટે બેઠક કરે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ બેઠકમાં રિઝર્વ બેંક લોનને સસ્તી બનાવવાનો વિચાર કરી શકે છે.
રેપો રેટ યથાવત રહી શકે છે
કોરોનાવાયરસ રોગચાળાની ત્રીજી લહેરના ડર વચ્ચે ભારતની સેન્ટ્રલ બેન્ક વ્યાજદરને રેકોર્ડ નીચા સ્તરે રાખે તેવી શક્યતા છે. મોટાભાગના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે RBI MPC સતત સાતમી બેઠક માટે પ્રાઇમ લેન્ડિંગ રેટ અથવા રેપો રેટ 4 ટકા પર યથાવત રાખી શકે છે. RBI ગવર્નરના નેતૃત્વમાં છ સભ્યોની MPCમાં ત્રણ બાહ્ય સભ્યોનો પણ સમાવેશ થાય છે. નિષ્ણાતો માને છે કે નાણાકીય નીતિના મોરચે કોઈ મોટો નિર્ણય લેતા પહેલા આરબીઆઈ થોડી વધુ રાહ જોશે કારણ કે કેન્દ્રીય બેંકનું ધ્યાન મોંઘવારીને સંચાલિત કરવા તેમજ આર્થિક વિકાસને વેગ આપવા પર છે.
સતત 6 MPC મા વ્યાજ દરમાં કોઈ ફેરફાર નથી કરાયો
કેન્દ્રીય બેંકે જૂન મહિનાની નીતિ બેઠકમાં મુખ્ય વ્યાજ દર 4 ટકા પર યથાવત રાખ્યો હતો. સતત છ વખત MPC એ વ્યાજ દર પર યથાસ્થિતિ જાળવી રાખી હતી. બ્રિકવર્ક રેટિંગ્સના મુખ્ય આર્થિક સલાહકાર એમ ગોવિંદા રાવે જણાવ્યું હતું કે MPCએ મે 2020 થી મુખ્ય નીતિ દર યથાવત રાખ્યા છે. અમે એ પણ આશા રાખીએ છીએ કે કેન્દ્રીય બેંક ચેતવણી આપશે અને પરિસ્થિતિ પર નજર રાખવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.