ગુજરાતના સૌથી લાંબા બ્રિજનું આજે ઉદ્ઘાટન
ગુજરાતને આજે વધુ એક બ્રિજની મોટી ભેટ મળશે. ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજનું 7 ઓગસ્ટના દિવસે લોકાર્પણ કરવામાં આવશે. આ લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરાશે. કોરોનાકાળમાં સમગ્ર કાર્યક્રમ ઈ-લોકાર્પણ રીતે કરવામાં આવશે. ગુજરાતમાં સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ માટે 194.25 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કાર્યક્રમમાં જોડાશે. આ બ્રિજનું નિર્માણ બનાસકાંઠના પાલનપુરથી ડીસા વચ્ચે કરાયું છે. લોકાર્પણ બાદ ડીસા શહેરમાંથી પસાર થતાં વાહનોને હવે ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. 3.7 કિલોમીટર લાંબો આ ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ બની જશે. વડોદરાના હાર્દ સમા દાંડિયા બજાર ચાર રસ્તાથી અકોટા તરફ જવાના રેલવે બ્રિજ ઉપર રૂપિયા 27.4 કરોડના ખર્ચે રૂફ ટોપ સોલાર પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે. સાડા ચાર વર્ષમાં તૈયાર થયેલ રૂફટોપ સોલાર પ્લાન્ટનું રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે સયાજીનગર ગૃહમાંથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરી વડોદરાવાસીઓને અર્પણ કર્યું છે. રૂફ ટોપ સોલાર પ્લાન્ટની વિશેષતા એ છે કે આ રૂફટોપ સોલાર પ્લાન્ટ 982.8 કિલો વોટ વીજળી ઉત્પન્ન કરશે. એટલે કે, પ્રતિદિન 3 હજાર 930 યુનિટ વીજળી જનરેટ થશે. અને એક વર્ષમાં 14.34 લાખ યુનિટ વીજળી જનરેટ થશે. જનરેટ થનાર વીજળીનો ઉપયોગ વડોદરા મહાનગર સેવા સદનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ તેમજ વારસીયા વિસ્તારમાં આવેલ રાજીવનગર સુએઝ પમ્પીંગ સ્ટેશન અને અટલાદરા સુએઝ પમ્પીગ સ્ટેશન ખાતે ઉપયોગમાં લેવામાં આવશે. આથી વડોદરા મહાનગર સેવાસદનને વર્ષે આવતો રૂપિયા 87 લાખનો વીજળી ખર્ચ બચી જશે. અને કોર્પોરેશનની તિજોરી ઉપર રૂપિયા 87 લાખનું ભારણ ઓછું થશે.
બ્રિજ પર રૂપિયા 27.4 કરોડના ખર્ચે રૂફ ટોપ સોલાર પ્લાન્ટ નાંખવામાં આવ્યો
મહત્વની વાત છે કે આગામી 20 વર્ષ સુધી સોલાર પ્લાન્ટનું મેઇન્ટેનન્સ અને સર્વિસ રૂફ ટોપ સોલાર પ્લાન્ટ તૈયાર કરનાર ઇજારદાર કરશે. સયાજીરાવ નગરગૃહ માં યોજાયેલા કાર્યક્રમમાં ઉત્પન્ન થનારી વીજળી અંગે મધ્ય ગુજરાત વીજ કંપની અને વડોદરા મહાનગર સેવાસદન વચ્ચે MOU કરાયું છે. આ રૂફ ટોપ સોલાર ટનલ વીજળી આપવા સાથે વડોદરા શહેર માટે એક આકર્ષણરૂપ પણ પુરવાર થશે.
દૈનિક 3930 યુનિટ વીજળી ઉત્પન્ન થશે
રૂફ ટોપ સોલાર ટનલ વીજળી ઉત્પન્ન કરવા સાથે શહેરીજનો માટે પિકનીક સ્પોટ્સ પણ બની રહેશે. વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આ સોલાર ટનલમાં રંગબેરંગી લાઇટો લગાવવામાં આવી છે. આ લાઇટીંગ શનિવાર અને રવિવાર ઉપરાંત જાહેર તહેવારોના દિવસોમાં ચાલુ કરવામાં આવશે. વડોદરાને નવા નજરાણા સમાન મળેલા સોલાર બ્રિજથી વડોદરા કોર્પોરેશનને લાખોના વિજ બીલમાંથી રાહત મળવાની છે. આ સાથે જ આ બ્રિજ વડોદરાવાસીઓ માટે એક નવું ડેસ્ટીનેશન પણ મળ્યું છે.