ગાંધીનગર

ગાંધીનગર શહેરમાં પ્રાથમિક શિક્ષકોની બદલીઓમાં કૌભાંડ : મળતિયાઓનો દબદબો

ગાંધીનગર :
ગાંધીનગર સ્થિત પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા અવારનવાર મનઘડત પરિપત્રો કરીને રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોને પણ અચંબિત કરવામાં આવતા રહ્યા હોવાનું સામે આવતું રહ્યું છે. ત્યારે તાજેતરમાં ગાંધીનગર શહેર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં જિલ્લાફેર બદલી માટે નિયમોમાં અચાનક બદલાવ કરીને ૧૯ જગ્યાઓમાંથી ૧૪ મળતિયા શિક્ષકોને લાભ આપવાની કોશિશ થઈ રહી હોવાની ફરિયાદો શિક્ષકોમાં ઉઠી રહી છે.
આ અંગે એક શિક્ષકે જણાવ્યું હતું કે અત્યાર સુધી ગાંધીનગર નગર શિક્ષણ સમિતિમાં જિલ્લાફેરથી ફક્ત ગાંધીનગર ગ્રામ્ય જિલ્લામાં ફરજ બજાવતા શિક્ષકોને જ મોકો મળતો હતો, પરંતુ પહેલીવાર ૧૫/૧૨/૨૦૨૦ ના રોજ થયેલ એક પરિપત્ર માત્ર ને માત્ર લાગતા વળગતાઓ સુધી જ પહોંચાડયો. જોકે આ પરિપત્રની જાણ ૨૮/૦૫/૨૦૨૧ ના રોજ ગણ્યા ગાંઠ્યા ૧૪ શિક્ષકોની કામ ચલાઉ શ્રેયાન યાદી બહાર પડતાં તમામ શિક્ષકોને જાણ થઈ હતી. જોકે તેનો વિરોધ થતાં ૦૯/૦૬/૨૦૨૧ના રોજ પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા ફરીથી પરિપત્ર કરીને તમામ ડીપીઓ, ટીપીઓ અને શિક્ષકો સુધી પહોંચાડી ગાંધીનગર શહેરમાં જિલ્લાફેર આવવા માંગતા અને વંચિત રહી ગયેલા શિક્ષકો પાસે અરજીઓ મંગાવી હતી. જેને પગલે આશરે ૧૫૦૦ થી પણ વધુ અરજીઓ ગાંધીનગર ખાતે આવી હતી. આટલું ઓછું હોય તેમ ફરીથી જવાબદાર અધિકારીઓએ ૧૪ મળતીયાઓ ને આગલા વર્ષે અરજી કરી હોવાનું દર્શાવીને તેઓને પ્રથમ લાભ આપવાનો તખ્તો તૈયાર કરી નાખ્યો હતો. અગાઉની યાદીમાં અરજી વર્ષ ૨૦૨૧ હતું, તે તમામ ૧૪ શિક્ષકોના નામ ૦૩/૦૮/૨૦૨૧ ની નવી શ્રેયાન યાદીમાં સૌથી આગળના ક્રમે દર્શાવાયા છે અને અરજી વર્ષ ૨૦૨૦ લખી દેવાયું છે. આમ કોના ઇશારે આયોજનપૂર્વક મળતીયાઓને લાભ આપવાનો તખ્તો તૈયાર થયો તેવા સવાલો ગાંધીનગર જિલ્લાના શિક્ષકોમાં ઉઠી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઈમાનદારીની વાતો કરતા પ્રાથમિક નિયામક એમ. આઇ. જોશી અને શિક્ષણ સચિવ વિનોદ રાવ દ્વારા આ બાબતે શિક્ષકોના પ્રશ્નો અને મુંઝવણનો જવાબ આપીને નિયમાનુસાર જિલ્લાફેર યાદી તૈયાર કરાય તેવી માંગ ઉઠી છે.
મળતિયાઓને જ જિલ્લાફેરનો લાભ આપવાનો હોય તો ફરીથી પરિપત્ર કેમ કરાયો ?
પ્રાથમિક શિક્ષણ વિભાગે જો લાગવગીયા અને મળતિયા શિક્ષકોને જ લાભ આપવાનું નક્કી કર્યું હોય તો પછી નવો પરિપત્ર કરવાની શું જરૂર પડી? અરે !! અમુક બિચારા શિક્ષકોએ તો જુના જિલ્લામાંથી જિલ્લાફેરની અરજીમાંથી પોતાનું નામ કઢાવીને ગાંધીનગરમાં અરજી કરી હતી. આવા શિક્ષકોની દશા ના ઘર કા ના ઘાટ કા જેવી થઈ ગઈ છે. અચાનક આ ૧૪ શિક્ષકોની અરજી વર્ષ ૨૦૨૦ માં કેવી રીતે થઈ ગઈ ? નગર શિક્ષણ સમિતિએ પોતે જ જાહેર કરેલ ૨૮/૦૫/૨૧ અને ૦૩/૦૮/૨૦૨૧ ની કામચલાઉ શ્રેયાન યાદી ની વિસંગતતાઓ ને લીધે જાતે જ ક્ષોભમાં મુકાઈ ગયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x