PM MODI ગુજરાતમાં સંબોધશે ઈન્વેસ્ટર સમિટ, ગાંધીનગરથી જાહેર થશે દેશ માટેની નવી સ્ક્રેપ પોલિસી, નીતિન ગડકરીની રહેશે હાજરી
શું આપનું વાહન 15 વર્ષ જૂનું છે ? તો આપના માટે આ સમાચાર અગત્યના છે. કેન્દ્ર સરકાર (Central Govt) આજથી 15 વર્ષ જૂના વાહનો માટે સ્ક્રેપ પોલિસી (Scrap Policy) જાહેર કરવા જઇ રહી છે. રાજ્યના પાટનગર ગાંધીનગર (Gandhinagar)થી કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી (Union Transport Minister Nitin Gadkari)નવી સ્ક્રેપ પોલિસી જાહેર કરશે. આ કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે જ્યાં PM મોદી (PM Narendra Modi) વીડિયો કોન્ફરન્સથી હાજરી આપશે. મહત્વપૂર્ણ છે કે દિલ્લી જેવા મેટ્રો સિટીમાં 15 વર્ષથી ગ્રીન ટ્રિબન્યુનલે જૂના વાહનો પર પ્રતિબંધ મુક્યો છે જેની પાછળનો હેતુ પ્રદુષણમાં ઘટાડો થાય અને ઈલેક્ટ્રીક વાહનોને પોત્સાહન મળે તેવો છે જેનો હવે દેશમાં અમલ થવા જઇ રહ્યો છે.
મળતી માહિતી મુજબ દેશનો સૌપ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ ભાવનગરના અલંગમાં સ્થપાશે. ઉલ્લેખનીય છે કે દેશમાં પહેલાથી જ જૂના વાહનોના ભંગાર માટે કોઇ સિસ્ટમ ન હોવાથી તેનો ઉપયોગ ચાલુ રહેતો હતો અને આવા વાહનો પ્રદુષણમાં વધારો કરતા હતા ત્યારે દેશમાં વાહનોના સ્ક્રેપ દ્વારા નવો ઉદ્યોગ વિકસે તે દિશામાં ભારત સરકાર આ પોલિસી જાહેર કરવા જઇ રહી છે. નવી સ્ક્રેપ પોલિસી દ્વારા દેશમાં 10 હજાર કરોડ રૂપિયાનું નવું રોકાણ થવાની શક્યતા છે જ્યારે 50 હજારથી વધુ નવી નોકરીઓનું સર્જન થશે જ્યારે સ્ક્રેપ પોલિસીના કારણે ઓટો સેક્ટરને મોટો લાભ થવાની શક્યતા છે અને 4.5 કરોડનું ઓટો સેક્ટરનું ટર્ન ઓવર વધીને 6 લાખ કરોડ થાય તેવો દાવો કરાઇ રહ્યો છે.