ગુજરાત

સુરતમાં મુસ્લિમ કારીગરોએ બનાવ્યું ગણપતિ બાપ્પાનું 174 પિલર ધરાવતું રામમંદિર

અયોધ્યામાં રામમંદિર બનવાનું ભારતીયોનું સપનું આગામી થોડા વર્ષોમાં પૂર્ણ થઇ જશે. પરંતુ તે પહેલા સુરતમાં રામમંદિર બનીને તૈયાર થઇ ગયું છે. અહીં વાત છે આવી રહેલા ગણેશઉત્સવને લઈને. જ્યાં સુરતના એક ગણપતિ મંડળ દ્વારા આ વર્ષે અયોધ્યા રામમંદિરની થીમ પર ગણપતિ બાપ્પાનો મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. અને મહત્વની વાત તો એ છે કે આ રામ મંદિર અન્ય કોઈ કારીગરો દ્વારા નહીં પણ મુસ્લિમ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે.

દર વર્ષે સુરતમાં થીમ બેઇઝડ ગણપતિની મૂર્તિઓ અને મંડપ સજાવવાનું આયોજન થતું આવ્યું છે ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં એક ગણેશ મંડળ દ્વારા આ વર્ષે રામમંદિરની થીમ પર ગણપતિનો મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે સુરતમાં મંડપ કારીગરીનું કામ બહારથી આવતા બંગાળી અને કલકત્તાના કારીગરો દ્વારા કરવામાં આવે છે.ત્યારે રામમંદિરની થીમ પર તૈયાર કરવામાં આવેલા આ મંડપનું કામ મુસ્લિમ કારીગરો દ્વારા કરવામાં આવી રહ્યું છે. સુરતમાં છ મુસ્લિમ બિરાદરો આ રામ મંદિરને આખરી ઓપ આપી રહ્યા છે. છ મુસ્લિમ કારીગરો 16 ફૂટ ઊંચા અને 14 ફૂટ પહોળા થર્મોકોલના મંદિરને બનાવી રહ્યા છે. જેમાં 174 જેટલા થર્મોકોલના પિલર પણ હશે.

રામમંદિરની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરી શકાય તે માટે તેઓ ખુબ બારીકાઇ અને ઝીણવટભરી રીતે કામ કરી રહ્યા છે. આ મંદિરની કિંમત પણ અંદાજે અઢી લાખ રૂપિયા જેટલી છે. સુરતના અડાજણ વિસ્તારના ગાર્ડન ગ્રુપ દ્વારા આ મંદિર બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે.

તેમના કહેવા પ્રમાણે દર વર્ષની જેમ તેઓ આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી માટીની નાની પ્રતિમાનું જ સ્થાપન કરશે. પણ કોરોનાના કારણે તેઓ આ વખતે આગમનયાત્રા કાઢવાના નથી. જોકે જે ગણેશભક્તો ગણપતિના દર્શન માટે આવે છે તેમને અયોધ્યા રામમંદિરની ઝાંખી મળી રહે તે માટે તેઓએ આ વર્ષે મંડપ રામમંદિરની થીમ પર બનાવવાનું નક્કી કર્યું છે. અને કોમી એકતાનું સૌથી મોટું ઉદાહરણ તો એ છે કે આ રામમંદિર કોઈ બીજા કારીગરો નહીં પણ મુસ્લિમ કારીગરો દ્વારા જ તૈયાર કરવામાં આવી રહ્યુ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x