WhatsApp પર શા માટે લગાવાયો 266 મિલિયન ડૉલરનો દંડ ? જાણો સમગ્ર મામલો.
ફેસબુકના (Facebook) સ્વામિત્વ વાળા વોટ્સએપ (WhatsApp) પર યૂરોપીયન સંઘના (European Union) ડેટાની ગોપનીયતાના નિયમો તોડવા બદલ આયરલેન્ડના ડેટા વૉચડોગ દ્વારા રેકોર્ડ 225 મિલિયન યૂરોનો ફાઈન લગાવવામાં આવ્યો છે. એક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ મોટો ફાઈન ફેસબુકની બીજી કંપનીઓ સાથે પર્સનલ ડેટા શેયર કરવાના આરોપમાં લગાવવામાં આવ્યો છે.
આયર્લેન્ડના ડેટા પ્રોટેક્શન કમિશને ગુરુવારે જણાવ્યું હતું કે WhatsAppએ યૂરોપીય સંઘના નાગરિકોને તેમના ડેટા સાથે શું કર્યું તે જણાવ્યું નથી. નિયમનકારે કહ્યું કે વોટ્સએપ યુરોપિયનોને તેમની વ્યક્તિગત માહિતી કેવી રીતે એકત્રિત કરવામાં આવી અને તેનો ઉપયોગ કરવામાં આવ્યો તે જણાવવામાં નિષ્ફળ રહ્યુ. વળી, વોટ્સએપે તે ફેસબુક સાથે ડેટા કેવી રીતે શેર કરે છે તેનો જવાબ પણ આપ્યો નથી.
આ કેસમાં વોટ્સએપે કહ્યું છે કે આ દંડ ખોટી રીતે લાદવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું કે અમે આ અંગે વધુ અપીલ કરીશું. આયર્લેન્ડના ડેટા ગોપનીયતા કમિશનરે કહ્યું કે WhatsApp માટે વર્ષ 2018 યૂરોપિયન યૂનિયનના ડેટા નિયમોના પારદર્શિતા નિયમો સાથે જોડાયેલું છે.
આ નિર્ણયના કારણે વોટ્સએપ તેની ગોપનીયતા નીતિને વિસ્તૃત કરી શકે છે, જેની પહેલાથી જ કેટલાક વપરાશકર્તાઓ અને કંપનીઓ દ્વારા ખૂબ લાંબી અને જટીલ હોવાને કારણે ટીકા કરવામાં આવી છે. વોટ્સએપના પ્રવક્તાએ સીએનબીસીને જણાવ્યું કે કંપની અપીલ કરવાની યોજના બનાવી રહી છે.
પ્રવક્તાએ કહ્યું કે આ મામલો 2018ની પોલીસી સાથે જોડાયેલો છે. અધિકારીએ જણાવ્યુ કે વોટ્સએપ એક સુરક્ષિત અને પ્રાઈવસી સર્વિસ આપવા માટે પ્રતિબદ્ધ છે. અમે એ સુનિશ્ચિત કરવા માટે કામ કર્યુ છે કે અમે જે જાણકારી ઉપલબ્ધ કરાવીએ છીએ, તે પારદર્શી અને વ્યાપક છે અને અમે તે કરવાનું ચાલુ રાખીશું.
તેમણે જણાવ્યુ કે અમે 2018માં લોકોને પ્રદાન કરેલી પારદર્શિતા વિશે આ નિર્ણયથી અસહમત છીએ અને દંડ ભરવા પણ તૈયાર નથી. તેની વેબસાઈટ પર પુછવામાં આવતા સવાલોના જવાબમાં વોટ્સએપે જણાવ્યુ કે તે ફેસબુક સાથે ફોન નંબર, લેણદેણ ડેટા, વ્યવસાયિક વાતચીત, મોબાઈલ ડિવાઈસની જાણકારી, આઈપી એડ્રેસ અને અન્ય જાણકારીઓને શેયર કરે છે.