ચીલોડા પાસે માતાજીના ભુવાનો સ્વાંગ રચી મહિલાના 95 હજારના દોરાની ચીલઝડપ
ગાંધીનગર: પાટનગર ગાંધીનગરમાં ગઠિયાઓનો તરખાટ વધી રહ્યો છે. ચિલોડા પાસે આજે બે ગઠિયાઓએ એક મહિલાને વાતોમાં ઉલઝાવીને ₹95,000ની કિંમતનો સોનાનો દોરો લઈ ફરાર થઈ ગયા. આ અંગે ચિલોડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ચિલોડામાં રહેતા અમરતબેન પટેલ તેમની મિત્ર જશોદાબેન સાથે બજારમાં ખરીદી કરી રહ્યા હતા ત્યારે મોપેડ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમને રોક્યા. તેમાંથી એકે પોતાને ‘માતાજીનો ભુવો’ ગણાવ્યો અને ઉપવાસ ખોલવા માટે મંદિરનું સરનામું પૂછ્યું. મહિલાઓએ સરનામું ખબર ન હોવાનું જણાવતા શખ્સોએ સ્વામિનારાયણ મંદિરનું સરનામું પૂછ્યું અને વાતોમાં ઉલઝાવી રાખ્યા.
વાતચીત દરમિયાન, ગઠિયાઓએ પહેલા મહિલાઓની બંગડીઓ અને પછી ચશ્મા માંગ્યા. આખરે, તેણે અમરતબેનનો ₹95,000નો સોનાનો દોરો લીધો અને મોઢામાં મૂકવાનો ઢોંગ કર્યો. જેવો મહિલાની નજર હટી, તે જ ક્ષણે બંને ગઠિયાઓ મોપેડ પર સવાર થઈ ફરાર થઈ ગયા. મહિલાએ બૂમાબૂમ કરતા લોકો ભેગા થયા અને પોલીસને જાણ કરી. પોલીસે તાત્કાલિક નાકાબંધી કરીને ગઠિયાઓની શોધખોળ શરૂ કરી છે.