ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ: ઘરનું તાળું તોડી 10 લાખની ચોરી, પોલીસ ફરિયાદ લેવામાં નિષ્ક્રિય
ગાંધીનગર: પાટનગર ગાંધીનગરમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરના GEB પાસેના વિસ્તારમાં એક બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરોએ ₹10 લાખની મતાની ચોરી કરી છે. આ ઘટના ત્યારે બની જ્યારે પરિવાર સામાજિક પ્રસંગમાં બહાર ગયો હતો. જોકે, આશ્ચર્યજનક રીતે, આટલી મોટી ચોરી થયા બાદ પણ પોલીસે હજી સુધી કોઈ ફરિયાદ દાખલ કરી નથી.
મગનભાઈ હરિભાઈ ઠાકોર નામનો પરિવાર 19 ઓગસ્ટના રોજ બાયડ ખાતે સામાજિક પ્રસંગમાં ગયો હતો. તેઓએ મકાનને તાળું મારી ચાવી ભત્રીજાને સોંપી હતી. રાત્રે જ્યારે ભત્રીજો ઘરે સૂવા ગયો ત્યારે તેને દરવાજે તાળું ન હોવાનું માલૂમ પડ્યું અને તેણે તરત જ કાકાને જાણ કરી. મગનભાઈ પરત આવીને જોયું તો ઘરમાં રાખેલી પેટી તૂટેલી હતી અને તેમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ ₹2.70 લાખની રોકડ મળી કુલ ₹10 લાખની ચોરી થઈ હતી.
ચોરીની જાણ થતાં જ મગનભાઈ સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા હજી સુધી ફરિયાદ નોંધવામાં આવી નથી. આ ઘટનાથી પોલીસની નિષ્ક્રિયતા પર સવાલો ઊભા થયા છે, કારણ કે શહેરમાં ગુનાઓ વધી રહ્યા હોવા છતાં પોલીસ દ્વારા તેને ગંભીરતાથી લેવામાં આવી રહ્યા નથી.