ગાંધીનગર

ગાંધીનગરમાં ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ: 10 કૃત્રિમ કુંડ તૈયાર, નદીમાં વિસર્જન ટાળવા કલેક્ટરની અપીલ

ગાંધીનગર: તા. 27 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર સુધી ચાલનારા ગણેશોત્સવને નિર્વિઘ્ને અને પર્યાવરણને અનુકૂળ રીતે સંપન્ન કરવા માટે ગાંધીનગરનું વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. આ વર્ષે ભારે વરસાદને કારણે જળાશયોના જળસ્તરમાં વધારો થયો હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કલેક્ટર મેહુલ કે. દવેના માર્ગદર્શન હેઠળ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

વહીવટી તંત્ર દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાત, દહેગામમાં બે અને માણસા ખાતે એક મળીને કુલ 10 કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. કલેક્ટરે લોકોને અપીલ કરી છે કે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કુદરતી જળાશયોમાં કરવાને બદલે આ કૃત્રિમ કુંડોમાં જ કરે.

ક્યાં ક્યાં કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે?

  • ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તાર: સુખડેશ્વર મહાદેવ (પેથાપુર), સે. 30 સાબરમતી નદી બ્રિજ પાસે, ધોળેશ્વર મહાદેવ, સંત સરોવર (ઇન્દ્રોડા), કોટેશ્વર મહાદેવ, ભાટ ટોલ પ્લાઝા, અને સિગ્નેચર બ્રિજ (પી.ડી.પી.યુ રોડ).
  • દહેગામ નગરપાલિકા: પાલૈયા તળાવ (નીલકંઠ મહાદેવ મંદિર) અને ઊટડિયા મહાદેવ (ખેડા).
  • માણસા નગરપાલિકા: હેત્વા તળાવ.

આ ઉપરાંત, કલોલ નગરપાલિકા દ્વારા પણ ઈન્દિરા બ્રિજ સાબરમતી નજીક જીએમસી દ્વારા બનાવેલા કૃત્રિમ કુંડનો ઉપયોગ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આ પગલાંનો હેતુ ગણેશજીની મૂર્તિઓનું સુરક્ષિત અને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના વિસર્જન સુનિશ્ચિત કરવાનો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *