ગાંધીનગરના હરિબિલ્ડકોનને હરી આઇકોન પ્રોજેક્ટમાં વિના મંજૂરીએ ફેરફાર કરતા રેરાએ 2.25 લાખ દંડ ફટકાર્યો
ગાંધીનગર :
રાજ્યમાં બિલ્ડરો દ્વારા ગ્રાહકો સાથે થતી વિવિધ ગે૨ીતિઓ સામે ગુજરાત રિઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) દ્વારા સુઓમોટો કાર્યવાહી કરાઈ રહી છે. ગાંધીનગરના હરિ બિલ્ડકોન ગ્રૂપે મૂકેલા હરી આઇકોન પ્રોજેક્ટમાં કુલ 62 યુનિટનું વેચાણ- બુકિંગ કરવામાં આવ્યું હતું. જે પૈકી 12 યુનિટનું વેચાણ કે બુકિંગ અલ્ટરેશન એટલે કે પ્રોજેક્ટમાં ફેરફારની અરજી મંજૂર થતા પહેલા કરાયું હતું. 13 યુનિટના વેચાણ- બુકિંગ પેટે એગ્રિમેન્ટ ફોર સેલ કર્યા પહેલા વેચાણ કિંમતના 10 ટકાથી વધુ રકમ ગ્રાહકો પાસેથી મેળવી હોવાનું રેરાના ધ્યાને આવ્યું. હતું. પ્રમોટર તરફથી રજૂઆત કરાઇ હતી કે પ્રોજેક્ટ પુરો થઇ ગયો છે અને 5 ડિસેમ્બર 2020ના રોજ બીયુ પરમિશન આવી ગયું છે. દસ્તાવેજોને ધ્યાને લેતા રેરાને 7 યુનિટના વેચાણ દસ્તાવેજ થયા હોવાનું જણાયું હતું. જોગવાઇઓના ભંગ બદલ પ્રમોટર હરિ બિલ્ડકોનને 2.25 લાખનો દંડ કર્યો હતો.