200 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સરદારધામ ભવનનું PMના હસ્તે ભૂમિપૂજન
સરદારધામ ભવનનું લોકાર્પણ એવમ 200 કરોડના કન્યા છાત્રાલયના સરદારધામ ફેઝ – 2નું ભૂમિપૂજન આવતીકાલે તા.11મી સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી કરવામાં આવશે. એસ.જી. હાઇવે પરના વૈષ્ણોદેવી સર્કલ ખાતે આવેલા સરદારધામ ખાતે સવારે 10 વાગ્યે આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મુખ્ય મહેમાન પદે હાજર રહેશે. જયારે અતિથિવિશેષ પદે કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા, પુરષોત્તમ રૂપાલા તથા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉપસ્થિત રહેશે. જયારે બપોરે 3 કલાકે સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયાએ આમંત્રણ પત્રિકામાં જણાવ્યા મુજબ મિશન 2026 અંતર્ગત પાંચ લક્ષ્યબિંદુઓ છે. જેમાં બિલ્ડીંગ પ્રોજેક્ટ અંતર્ગત 1 હજાર કરોડના ખર્ચે 10 હજાર દિકરા-દિકરીઓ માટે પરવડે તેવા સુવિધાયુક્ત છાત્રાલય ( ઇન્સ્ટિટયૂટ )નું નિર્માણ કરાશે. ઉપરાંત જીપીસીએસસી,યુ.પી.એસ.સી., ડિફેન્સ, જયુડીશીયરી તથા સિવિલ સર્વિસ કેન્દ્ર અંતર્ગત 10 હજાર દીકરા- દીકરીઓને વહીવટી સેવામાં મોકલવા ઉપરાંત પ્રથમ હરોળના 10 હજાર ઉદ્યોગપતિઓનું સંગઠન ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન તેમ જ 10 લાખથી વધુ રાષ્ટ્રપ્રેમી યુવાઓનું સંગઠન રાષ્ટ્રવાદી યુવા તેજ- તેજસ્વિની સંગઠન ઊભું કરવાનું લક્ષ્ય છે.