બાપ્પાની અનોખી મુર્તિ બની આકર્ષણનું કેન્દ્ર :નાળિયેરના પાંદમાંથી બનાવવામાં આવી 31 ફૂટ ઉંચી ગણેશની મૂર્તિ !
મહારાષ્ટ્રના ઓરંગાબાદ જિલ્લામાં ગણેશ ચતુર્થી પર એક સંસ્થા દ્વારા ભગવાન ગણેશની 31 ફૂટ ઉંચી ‘ઇકો-ફ્રેન્ડલી’ મૂર્તિ (Eco Friendly Idols) સ્થાપિત કરવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સંસ્થા દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સંસ્થાના કુલસ્વામી વિલાસ કોરડેએ (Vilas Korde) જણાવ્યું હતું કે, આ ગણેશ મૂર્તિ પ્લાયવુડ, લાકડાના પાટિયા અને નાળિયેરના પાંદડાઓમાંથી બનાવવમાં આવી છે. વધુમાં જણાવ્યુ કે, દર વર્ષની આ વર્ષ પણ સમાજમાં જાગૃતિ લાવવાના હેતુથી ‘ઇકો-ફ્રેન્ડલી’ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.
બાપ્પાની આ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર
ઓરંગાબાદની આ મૂર્તિ હાલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ઈકો ફ્રેન્ડલી મૂર્તિ નાળિયેરના પાંદ અને લાકડાના પાટિયા વગેરેથી બનાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે પ્લાસ્ટર ઓફ પેરિસની (Plaster of Paris) મૂર્તિને પાણીમાં ડુબાડવાથી અને પર્યાવરણની સુરક્ષા માટે થયેલા નુકસાનને કારણે, કુલસ્વામી પ્રતિષ્ઠા સંસ્થાના સભ્યોએ ઈકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમા બનાવવાનો નિર્ણય કર્યો હતો. ઉપરાંત, આ વખતે કોરોના રોગચાળાને કારણે, સામાજિક અંતર (Social Distance) અને માસ્ક પહેરવાનું પાલન કરવામાં આવી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ મહારાષ્ટ્રના (Maharashtra) વસઈમાં ખેડુતો દ્વારા સોયાબીનમાંથી બનાવવામાં આવેલી ઈકો ફ્રેન્ડલી મુર્તિ લોકો માટે ચર્ચાનો વિષય બની હતી.
કોરોનાને ધ્યાનમાં રાખીને વેપારીઓનો એન્ટિજેન ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો
ઓરંગાબાદ જિલ્લા વહીવટીતંત્રે ગણેશ મૂર્તિ વેચતા દરેક વેપારી માટે એન્ટિજેન ટેસ્ટ ફરજિયાત કર્યો છે. આ ટેસ્ટમાં જે વેપારીઓનો રિપોર્ટ નેગેટિવ (Negative) હશે તે જ વેપારીઓને ગણેશની મૂર્તિઓ વેચવાની મંજૂરી આપવામાં આવી હતી. જે લોકો પોઝિટિવ મળ્યા હતા તેમને દુકાન ખોલવાની મંજૂરી આપવામાં આવી નહોતી.