સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો, 24 કલાકમાં 22 સેમીનો વધારો થયો
ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. વરસાદના પગલે છેલ્લા 24 કલાકમાં 22 સે.મી.નો વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 23,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ નર્મદા ડેમની સપાટી 120.45 મીટરે પહોંચી છે. સાવચેતીરૂપે ડેમના પાવર હાઉસના તમામ યુનિટ બંધ કરવામાં આવ્યાં છે. નર્મદા ડેમમાં હાલ 4999.53 MCM લાઈવ સ્ટોરેજ છે.
આ પહેલા પણ નર્મદા ડેમની સપાટીમાં તારીખ 12 સપ્ટેમ્બરે છેલ્લા 24 કલાકમાં 29 સેમીનો વધારો થયો હતો. ઉપરવાસમાંથી 22442 ક્યુસેક પાણીની આવક થતા 12 સપ્ટેમ્બરે નર્મદા ડેમની જળ સપાટી 120.05 મીટર પર પહોચી હતી. નર્મદા ડેમ રુલ લેવલ 121.92 મીટર છે, જયારે ડેમની જળસપાટી રુલ લેવલ થી 2 મીટર દૂર હતી.
હાલ નર્મદા ડેમની સપાટી 120.45 મીટરે પહોંચી છે. તેમજ કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ઓછો પડવાથી આ વર્ષે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટર સુધી પહોંચશે કે નહીં તે ચિંતાનો વિષય છે. તેમજ જો નર્મદા ડેમની જળસપાટીમાં વધારો નહિ થાય તો આગામી દિવસો ગુજરાત માટે પાણીને લઇને કપરા બની શકે છે. જો કે સારા વરસાદને કારણે રાજ્યના અન્ય ડેમોમાં ભરપુર માત્રામાં નવા નીર આવ્યાં છે એ રાહતના સમાચાર છે.