નબળા રસ્તા બનાવનારા કોન્ટ્રાક્ટરોનાં લાઈસન્સ રદ કરી દેવામાં આવશે : માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી
ગાંધીનગર :
રાજ્યમાં નબળા રસ્તા બનાવવામાં કોન્ટ્રાક્ટરો કોઇ જ કસર બાકી રાખતા નથી. ડામરના પાકા રસ્તા તકલાદી બનાવવામાં આવે છે અને તેની અવધિ પૂરી થાય તે પહેલાં જ તૂટી જાય છે. જો કે, હવે આવા નબળા રસ્તા બનાવનારા કોન્ટ્રાક્ટરો ઉપર તવાઈ આવી છે અને ભવિષ્યમાં જ્યાં જ્યાં ફરિયાદો ઊઠશે ત્યાં તપાસ કરવામાં આવશે અને રસ્તાનું મટિરિયલ્સ લેબોરેટરીમાં પણ મોકલવામાં આવશે. તાજેતરમાં જ નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના અંતરિયાળ વિસ્તારમાં પાકા રસ્તા બનાવવામાં હલકું મટિરિયલ્સ વપરાયા હોવાનું જણાતા માર્ગ અને મકાન મંત્રીએ જાત નિરીક્ષણ કર્યું હતું અને રસ્તો ખોદાવી તેનું સેમ્પલ લીધું હતું. મંત્રીએ અધિકારીઓનો પણ ઉધડો લીધો હતો અને નબળું કામ કર્યું હશે તે બહાર આવશે તો કોન્ટ્રાક્ટરનું લાઇસન્સ રદ કરવાની તેમજ બાબુઓને પણ સસ્પેન્ડ કરવાની ચિમકી આપતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
રાજ્યમાં છેડચોક પાકા રસ્તા બનાવવામાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તે વાત જૂની નથી. કોન્ટ્રાક્ટરો સરકારી ધારા-ધોરણોને નેવે મૂકીને હલકું મટિરિયલ્સ વાપરીને સરકારના તગડા નાણા ઘેર ભેગા કરી રહ્યા છે. ગુજરાતમાં નવી સરકાર આવ્યા બાદ તમામ વિભાગોમાં પારદર્શિતા જળવાય અને ભ્રષ્ટાચારીઓ ઉપર લગામ કસાય તે માટે સરકાર કટિબદ્દ બની છે. તાજેતરમાં જ નર્મદા જિલ્લામાં સંકલન મિટિંગ મળી હતી અને તેમાં માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી અને સંસદ સભ્ય મનસુખ વસાવા પણ હાજર હતા અને આ બેઠકમાં અંતરિયાળ વિસ્તારમાં પાકા રસ્તા બનાવવામાં વેઠ ઉતારવામાં આવી હોવાની વ્યાપક ફરિયાદો મંત્રીને કરવામાં આવી હતી. મંત્રીએ ફરિયાદોને ગંભીરતાથી લીધી હતી અને તાકીદે જ રસ્તાનું જાત નિરીક્ષણ કરવા માટે પહોંચી ગયા હતા. મંત્રીએ રસ્તો ખોદાવ્યો હતો અને તેનું સેમ્પલ લઇને લેબોરેટરીમાં મોકલી આપ્યું હતું. મંત્રીએ અધિકારીઓનો બરોબરનો ઉધડો લીધો હતો અને જે હલકું મટિરિયલ્સ નીકળશે તો કોન્ટ્રાક્ટરનું લાઈસન્સ રદ કરવાની તેમજ બાબુઓને સસ્પેન્ડ કરવાની પણ ચિમકી આપી હતી. મંત્રી રસ્તાનું જાત નિરીક્ષણ કરવા માટે આવતા અધિકારીઓમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. આવનારા દિવસોમાં રાજ્યના અનેકવિધ વિસ્તારોમાં પણ મંત્રી જાત નિરીક્ષણ કરશે તેવું જાણવા મળી રહ્યું છે. જાગૃત લોકો પણ આ વિશે સજાગ થાય અને પાકો રસ્તો બનતો હોય ત્યાં કેવું મટિરિયલ્સ વાપરવામાં આવી રહ્યું છે તેની તપાસ કરવામાં આવે તેવો અનુરોધ પણ કરવામાં આવ્યો છે.