ગાંધીનગરમાંથી વધુ ૮૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત
મહાનગરપાલિકાની પ્લાસ્ટિક વિરોધી ટીમનો સપાટો
સે-૧ર અને ૭માં લાગેલા સેલમાં દરોડો પાડયોઃપ્લાસ્ટિક માટે ચાર હજાર રૃપિયાની લાયસન્સ ફી ફરજિયાત
ગાંધીનગર,સોમવાર
ગાંધીનગર શહેરમાં પ૦ માઇક્રોનથી નાની પ્લાસ્ટીકની બેગ ઉપર સદંતર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે આજે પ્લાસ્ટિક વિરોધી દળની ટીમે શહેરના સે-૧૨માં આવેલી લગ્નવાડીમાં લાગેલા સેલમાંથી તેમજ સે-૭માં પણ સેલમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ૮૫ કિલો જેટલો પ્લાસ્ટિક બેગનો જથ્થો જપ્ત કરી લીધો હતો. કોર્પોરેશનની ટીમની આ કામગીરીના કારણે અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે ત્યારે હજુ આગામી દિવસોમાં પણ ઝુંબેશ ચાલુ જ રાખવામાં આવનાર છે.
ગાંધીનગર શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ વધી ગયો હતો. ત્યારે હવે તાજેતરમાં સુપ્રિમ કોર્ટે ૫૦ માઇક્રોનથી ઓછી માત્રા ધરાવતી પ્લાસ્ટીકની બેગોના ઉપયોગ સામે પ્રતિબંધ ફરમાવ્યો છે અને તેનાથી વધુ માત્રાની બેગ વાપરવા ઇચ્છતાં વેપારીઓએ રૃપિયા ખર્ચીને લાયસન્સ લેવું પડશે તેવું જાહેર કર્યું છે. કોર્પોરેશન પણ સુપ્રિમ કોર્ટના આ આદેશનું પાલન કરવા માટે મથી રહી છે.
જેથી મ્યુનિ.કમિશનર દ્વારા વિધિવત જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે જેમાં પ૦ માઈક્રોનથી ઓછી પ્લાસ્ટિકની બેગ વાપરવા અને વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જે નિયમનો ભંગ કરનાર વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ તાકીદ કરવામાં આવી છે. ત્યારે છેલ્લા એક મહિનાથી કોર્પોરેશનના પ્લાસ્ટિક વિરોધી દળના અધિકારી મહેશ મોડ તેમની ટીમ સાથે વિવિધ સેકટરોમાં તપાસ કરીને પ્લાસ્ટિકના જથ્થાને જપ્ત કરી રહયા છે ત્યારે આજે બપોરે આ ટીમને બાતમી મળી હતી કે સે-૧૨ લગ્નવાડીમાં લાગેલા સેલમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે. આ બાતમીના આધારે ટીમે દરોડો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે સે-૭માં પણ આ જ પ્રકારે ચાલતા સેલમાં દરોડો પાડી કુલ ૮૫ કિલો જેટલા પ્લાસ્ટિકના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો હતો. કોર્પોરેશનની આ કામગીરીના પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો ત્યારે આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રાખવામાં આવનાર છે.