શિક્ષણની નવી નવી પદ્ધતિઓ નિષ્ફળ ગયાની CMની કબુલાત
અમદાવાદ, સોમવાર
શિક્ષણ ક્ષેત્રે દાખલ કરાયેલી નવી નવી પદ્ધતિઓ નિષ્ફળ થઈ હોવાનો આરોપ વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા નહીં પરંતુ ખુદ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ દ્વારા તેની જાહેરમાં કબુલાત થઈ છે. રાજ્યભરના શિક્ષકો સાથે બાયસેગના માધ્યમથી યોજાયેલી ટેલી કોન્ફરન્સમાં તેઓએ શિક્ષકોને શિખામણ આપી હતી કે, નવી સીસ્ટમને બાજુમાં મુકીને તેને બદલે જૂની પદ્ધતિ જ અપનાવો. ઘડીયા ગણવાની તથા પલાખા પૂછવાનું વિદ્યાર્થીઓને ચાલુ કરો.
શિક્ષકોની વાચન-લેખન-ગણન-નિદાન ઉપચારાત્મક તાલીમનો પ્રારંભ થયો છે. જે ૧૦ ઓગસ્ટ સુધી ચાલશે. જેમાં બે લાખથી વધુ શિક્ષકો ભાગ લેવાના છે. નિયત સમયથી પોણો કલાક મોડા આવેલા CM આનંદીબહેને એક કલાક લાંબુ ભાષણ આપ્યું હતું. જેમાં તેઓએ કહ્યું હતું કે જે પ્રકારે શિક્ષકોએ મહેનત કરવાની હોય છે તે કરાતી નથી. બાળકોની ભૂલ શિક્ષકો દેખાડતાં નથી. વિદ્યાર્થીઓની ખામીઓ દૂર કરવાના પ્રયત્નો પણ તેઓ કરતા નથી. હાલની શૈક્ષણિક પદ્ધતિ ખામી ભરેલી જ છે.
CM એ વધુમાં ઉમેર્યું હતું કે, કરોડોનો ખર્ચ કરી સ્વાધ્યાય બુકો બનાવાઈ છે પણ શિક્ષકો તેને તપાસતા નથી. બાળકો ખોટા શબ્દો લખે છે. તેની ભુલોને સુધારાતી નથી. દરેક ઋતુને આધારે નિબંધો પૂછાવા જોઈએ, જે પૂછાતા નથી. પ્રાર્થના સભામાં આંક બોલાવવા જોઈએ. શાળાઓમાં સાધનોનો ઉપયોગ થતો નથી. સ્માર્ટ સ્કુલ અને બાયસેગથી ભણાવાય છે. જેમાં બાળકો ટીવી સામે બેસે છે, શિક્ષકો ફરતા હોય છે. આત્મમંથનની જરૃર છે.
CRC એ વર્ગની અંદર જઈ શિક્ષકોએ શું ભુલ કરી તે બતાવીને તાલીમ આપવી પડશે. શિક્ષણની સરળ પદ્ધતિ અપનાવવાની રહેશે. ગાંધીનગરની કચેરીઓમાં બેઠા રહેતા અધિકારીઓએ તેમજ DEO-DPO એ શાળામાં જઈ વિદ્યાર્થીઓનાં હાથ પકડવા પડશે. વીડિયો લેશનને કારણે બાળકો નિષ્ક્રિય બન્યા છે. શિક્ષણની પદ્ધતિ વન વે નહીં પણ ટુ વે હોવી જોઈએ. વિદ્યાર્થીઓ પણ શિક્ષકોને પ્રશ્નો પૂછી શકવા જોઈએ.
ઘણા DPO શાસનાધિકારોએ કોન્ફરન્સમાં હાજર ન રહ્યા
અમદાવાદ, સોમવાર
મુખ્યમંત્રી દ્વારા ટેલી કોન્ફરન્સ યોજાઈ હોવા છતાં રાજ્યના ઘણા DEO અને શાસનાધિકારીઓએ તેમાં હાજર રહેવાનું જ ટાળ્યું હતું. આમાંથી ઘણાં અધિકારીઓને તો બહેને જ સારું પોસ્ટીંગ અપાવ્યું હતું પરંતુ હવે મુખ્યમંત્રી થોડા સમયમાં વિદાઈ લઈ રહ્યા હોઈ એવું ચિત્ર ઉભું થતાં આવા અધિકારીઓ પણ બહેનને સાંભળવામાં રસ ધરાવતા નથી.