ગાંધીનગર LCB ની ચેઇન સ્નેચરો પર બાજ નજર, ૧૫ લાખના મુદ્દામાલ સાથે 2ની ધરપકડ
ગાંધીનગર (Gandhinagar) નાયબ પોલીસ અધિક્ષક એમ. કે. રાણાએ જણાવ્યું કે છેલ્લા 6 મહિનામાં ગાંધીનગર, અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્યમાં ચેઇન સ્નેચિંગના (Chain snatching)અનેક ગુનાઓમાં સંડોવાયેલા 2 ઈસમોને ગાંધીનગર એલસીબીની (lcb)ટીમ દ્વારા ગાંધીનગર જિલ્લાના કલોલ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી. કલોલમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે બંનેને નંબર પ્લેટ વગરની મોટર સાયકલ સાથે પકડી પડાયા.
બંને ઝડપાયેલા ઈસમો સલાઉદ્દીન સરફુદ્દીન સૈયદ અને મઝહર અકબરભાઈ વોરા અમદાવાદના સરખેજ અને શાહપુર વિસ્તારના રહેવાસી. બંને પાસેથી કુલ ૧૭ સોનાની ચેઇન અને મંગળસૂત્ર મળી આવ્યા. સોનાની ચેઇન અને મંગળસૂત્ર મળી આવતા બંને પર શંકા ગઈ અને સંતોષકારક જવાબ ન મળતા ઊંડાણ પૂર્વક પૂછપરછ હાથ ધરતા તેઓ ભાંગી પડ્યા અને સાથે મળીને મોટર સાઇકલ ઉપર રસ્તે આવતી મહિલા તથા પુરુષને ટાર્ગેટ બનાવી ચેઇન સ્નેચીંગના ગુન્હાઓની કબૂલાત કરી.
પૂછપરછ દરમ્યાન વિગત મળી કે ઉપરોક્ત ઈસમો દ્વારા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ચેઇન સ્નેચીંગના (Chain snatching)૨૦ જેટલા વિવિધ ગુન્હાઓ આચરવામાં આવ્યા છે. સલાઉદ્દીન સૈયદ તથા મઝહર વોરા વિરુદ્ધ સોલા હાઇકોર્ટ, નારણપુરા, પાલડી અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનો દ્વારા કુલ મળીને ૧૦ ગુન્હા નોંધવામાં આવ્યા છે. આથી વિશેષ બંને ગુનેગારોની સન ૨૦૧૧ અને 2019 દરમિયાન અમદાવાદ શહેર દ્વારા બે વખત પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટીવીટીઝ – પાસા હેઠળ અટકાયત કરેલ છે.
આરોપીઓની અનોખી મોડસ ઓપરેન્ડી
ગુનેગારોની મોડસ ઓપરેન્ડી એટલે કે એમ.ઓ ઉપર નજર કરીએ તો બંને ઈસમો દિવસ દરમિયાન મોટરસાયકલ લઇ ફરતા અને રસ્તામાં આવતા જતા મહિલા તથા પુરુષને ટાર્ગેટ કરી તેની નજીક જઈને ગળામાં પહેરેલ સોનાની ચેઇન તોડી ભાગી જતા હતા. પોલીસ દ્વારા સોનાની ચેઈનો તથા મંગલસૂત્રો મળીને કુલ 15 લાખ રૂપિયાનો તમામ મુદ્દામાલ અને ગુન્હામાં વપરાયેલ મોટરસાયકલ જેની કિંમત આશરે રૂ. 50,000 કબજે કરવામાં આવેલ છે.