2025 સુધીમાં ગાંધીનગરમાં 50% ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો સાંસદ તરીકે અમારો લક્ષ્યાંક : અમિત શાહ
ગાંધીનગર :
પ્રાકૃતિક ખેતીના સેમિનારને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) સંબોધન કર્યુ હતું. જેમાં CM, રાજ્યપાલ અને એક હજાર જેટલા ખેડૂતો ઓનલાઈન જોડાયા હતા. મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. જેમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટેના પ્રયાસો પર ચર્ચા કરાઈ હતી. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે પ્રાકૃતિક ખેતીનો લોગો, મોબાઈલ એપ અને ઈ વ્હિકલ લોન્ચ કર્યું હતું. આ કાર્યક્રમમાં આજે 1 હજાર ખેડૂતો વર્ચ્યુઅલી જોડાયા હતા.
તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું, રાસાયણિક ખેતીથી દેશને નુકસાન થઈ રહ્યું છે. કેન્સરનો ખતરો વધી રહ્યો છે, તેનો સામનો કરવો પડશે. PM મોદીએ આ માટે કામ શરૂ કર્યું છે. પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ છે. હું ભાજપનો અધ્યક્ષ હતો ત્યારે આચાર્ય દેવવ્રતજીના ફાર્મ પર ગયો હતો. ત્યાં મેં આ ખેતી જોઈ અને અનુભવી હતી. પ્રાકૃતિક ખેતીથી જમીન બગડતી અટકે છે. આચાર્ય દેવવ્રતજીના નેતૃત્વમાં આ અભિયાન ઉપાડ્યું છે. હિમાચલ પ્રદેશમાં તેમણે આ અભિયાન ચાલુ કર્યું છે. કોરોનાના કપરા કાળમાં પણ 2 લાખથી વધુ ખેડૂતો અને 2.5 લાખ હેક્ટર જમીનમાં પ્રાકૃતિક ખેતી શરૂ થઈ હતી. જેનો મતલબ છે કે ગુજરાતના ખેડૂતોએ આ ખેતીનો લાભ સમજ્યો છે. આ આખી વાત 16 ડિસેમ્બરે પીએમ મોદીએ 8 કરોડ ખેડૂતોને સમજાવી હતી. અનેક ખેડૂતોએ આ બાબતે શરૂઆત કરી છે. ગાંધીનગરના સાંસદ તરીકે 2025 સુધીમાં મારા મત ક્ષેત્રમાં 50% ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો મારો લક્ષ્યાંક છે.