પાકિસ્તાનની અવળચંડાઇ : ભારતીય જળસીમામા ઘૂસીને 5 ભારતીય બોટ અને 30 માછીમારોનુ અપહરણ કર્યુ
પોરબંદર :
ભારતીય જળસીમામાં ફરી એકવાર પાકિસ્તાન (Pakistan) ની અવળચંડાઇ સામે આવી છે. પાકિસ્તાન મરીન સિક્યુરીટી (Pakistan Marine Security) દ્વારા પોરબંદર નજીક ભારતીય જળસીમા (IMBL ) માં ઘૂસી સૌરાષ્ટ્રની 5 બોટ અને 30 માછીમારોના અપહરણ (Kidnapping of fishermen) કરવામાં આવ્યા છે. પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા વારંવાર પાકિસ્તાની માછીમારોનું અપહરણ કરવામાં આવે છે. ભારતની જ જળસીમામાં માછીમારી કરતા હોવા છતા પાકિસ્તાન દ્વારા આવી હરકતો કરવામાં આવે છે. મળતી માહિતી મુજબ કેટલીક બોટો ભારતીય જળસીમામાં માછીમારી કરી રહી હતી ત્યારે અચાનક પાકિસ્તાન મરીન સિક્યુરિટીની પેટ્રોલિંગ શિપ ત્યાં ધસી આવી હતી અને બંદૂકની અણીએ પાંચ બોટ અને 30 માછીમારોનું અપહરણ કર્યું હતું.
IMBL નજીક માછીમારી કરતી વખતે પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી દ્વારા પોરબંદર, માંગરોળ અને વણાકબારાની આ 5 બોટ (Fishing Boat)નું અપહરણ કરાયુ હોવાની માહિતી છે. અપહરણ કરાયેલા આ માછીમારોને પાકિસ્તાનના કરાચી લઈ જવાયા હોવાની માહિતી છે. છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય બોટો અને માછીરોના અપહરણની ઘટનાઓ બનતી આવી છે, પરંતુ છેલ્લા એક મહીનામા જે રીતે સતત બોટો સાથે માછીમારોને ઉઠાવવાની ઘટના બની રહી છે. તેને લઇ માછીમારોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાને છેલ્લા 25 દિવસમાં 20 બોટ, 120 માછીમારોનું અપહરણ કર્યું છે.
ગુજરાત સમગ્ર ભારતમાં સૌથી વધુ 1600 કિલોમીટરનો દરિયાકિનારો ધરાવતુ રાજ્ય છે. તેથી ગુજરાતમાં દરિયાકાંઠે સૌથી વધુ માછીમારીનો વ્યવસાય પર લોકો ગુજરાન ચલાવે છે. જો કે પાકિસ્તાન મરીન દ્વારા વારંવાર માછીમારોનું અપહરણ કરાતા આ માછીમારોનો પરિવાર કમાતા વ્યક્તિને જ ગુમાવે છે. જેના કારણે આવા અનેક પરિવારો હાલમાં આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યા છે. પાકિસ્તાનની જેલમાં પહેલેથી અનેક માછીમારો ઘણા વર્ષોથી બંધ છે. ત્યારે વધુ માછીમારોનું અપહરણ થવાની ઘટનાઓથી હવે માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા પરિવારો ચિંતામાં મુકાયા છે.