શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓેને શિક્ષા કરાતાં પૂર્વ ધારાસભ્યના પતિએ શિક્ષકને મેથીપાક ચખાડયો
Dahegam
દહેગામમાં આવેલી એક ખાનગી સ્કુલમાં દહેગામના પૂર્વ ધારાસભ્યના પતિ કે જે દહેગામ શહેર કોંગ્રેસના પ્રમુખ પણ છે તેમના દ્વારા ખાનગી સ્કુલમાં ઈન્ટર્નશીપ માટે આવતા એક શિક્ષકને મેથીપાક ચખાડયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ ખાતે આવેલી લીટલ એન્જલ્સ સ્કુલમાં ભુપેન્દ્રસિંહનો પાંચ વર્ષનો પુત્ર અભ્યાસ કરે છે. ગત રોજ આ જ સ્કુલમાં બી.એડ. નો અભ્યાસ કરતા અને લીટલ એન્જલ સ્કુલમાં ઈન્ટરશીપ કરવા માટે આવતા ગણેશ ઠાકોર નામના શિક્ષક દ્વારા બાળકોને ફુટપટ્ટીથી શિક્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસે કામીનીબા રાઠોડના દિકરાએ સ્કુલ જવાની ના પાડતા તેને જયારે પુછયુ તો જાણવા મળ્યું કે સ્કુલમાં ટીચર મારે છે. આ વાતની જાણ થતાં જ ભુપેન્દ્રસિંહ લીટલ એજન્લ સ્કુલ ખાતે પહોંચી ગયા હતા અને શિક્ષક સાથે જીભાજોડી કરી મેથીપાક ચખાડયો હતો. સ્કુલના પ્રિન્સીપાલ દ્વારા વચ્ચે પડી આ ઉગ્ર બનેલા વાતાવરણને શાંત પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય કામિનીબા પણ સ્કુલે પહોંચ્યા હતા અને અંતે શિક્ષકે માફી માંગતા સમાધાન થયું હતું.