ગાંધીનગર

વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાંધીનગરમાં બિનઆરોગ્યપ્રદ ઋતુ

Gandhinagar

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે ત્યારે ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતની ધરતી હજુ સુધી વરસાદ માટે તરસી રહી છે. તે વચ્ચે ગાંધીનગરમાં છેલ્લા વીસ દિવસથી સતત વાદળછાયું વાતાવરણ રહયું છે જેની સીધી અસર શહેર અને જિલ્લાના નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર વર્તાઈ છે. સતત ભેજવાળી આબોહવાને કારણે બિનઆરોગ્યપ્રદ ઋતુ સર્જાય છે. ઝાડા ઉલટી, ટાઈફોઈડ અને કમળા જેવા પાણીજન્ય  ઉપરાંત મેલેરિયા, ડેન્ગ્યુના કેસ પણ વધ્યાં છે. તો તાવના કેસ છેલ્લા દસ દિવસથી ચિંતાજનક રીતે વધી રહયા છે. ગાંધીનગર સિવિલ ઉપરાંત અન્ય ખાનગી દવાખાના તથા કલીનીક દર્દીઓથી ઉભરાઈ રહયા છે. પાણીજન્યની સાથે મચ્છરજન્ય રોગ ઉપરાંત તાવ સહિત શરદી, ખાંસી અને કફના દર્દીઓ પણ વધ્યાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં આ વખતે છેલ્લા ઘણા દિવસોથી બીનઆરોગ્યપ્રદ ઋતુ ચાલી રહી હોય તેમ દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જ થઇ રહ્યો છે. અગાઉ  પાણીજન્ય રોગના દર્દીઓ સામે આવતા હતા ત્યારે હવે વાદળછાયું વાતાવરણ પણ આરોગ્ય માટે જોખમરૃપ થઇ ગયું છે. આ સિઝનમાં  પાણીજન્ય રોગના દર્દીઓ વધુ જોવા મળી રહ્યા છે. જેમાં છેલ્લા સપ્તાહમાં સિવિલ હોસ્પિટલમાં જ ટાઈફોઈડના ૧૮ જેટલા દર્દીઓ નોંધાયા હતા. પાણીથી થતાં ટાઈફોઈડના દર્દીઓ એક સપ્તાહમાં જ ૧૮ જેટલા હોવાથી તંત્ર ચોંકી ગયું હતું. જો કે આ તમામ દર્દીઓ છુટાછવાયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ઝાડા ઉલટીના અને કમળાના દર્દીઓ પણ છેલ્લા ઘણા દિવસથી નોંધપાત્ર રીતે વધી રહયા છે. પાણીથી થતાં આ રોગના દર્દીઓની સંખ્યા ઘટાડવા માટે તંત્ર દ્વારા પણ પાણીમાં ક્લોરીનેશનની માત્રા વધારવા માટે સૂચના આપવામાં આવી છે. જો કે ગ્રામિણ વિસ્તારમાંથી પાણીજન્ય બિમારીના દર્દીઓ વધુ મળી આવે છે. ત્યારે છેલ્લા વીસ દિવસથી સતત વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે તેમજ પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે. જેને લઈને મેલેરિયા અને ડેન્ગ્યુના કેસ પણ ચાલુ સિઝનમાં વધ્યા છે. તો આગામી દિવસમાં મચ્છરજન્ય રોગના દર્દીઓ હજુ પણ વધશે તેમ આરોગ્ય ખાતાએ દહેશત વ્યકત કરી છે તેવી સ્થિતિમાં સતત ભેજવાળું વાતાવરણને કારણે વાઈરલ ઈન્ફેકશનના કેસ પણ વધ્યા છે. તાવ ઉપરાંત શરદી, ખાંસી અને કફના દર્દીઓમાં ચિંતાજનક વધારો થયો છે. ફકત સિવિલ હોસ્પિટલમાં જ એક સપ્તાહમાં ૧૯૧ તાવના દર્દીઓ નોંધાયા છે. આમ પાણીજન્ય, મચ્છરજન્ય ઉપરાંત વાઈરલ રોગ અને બિમારી કેસ છેલ્લા ઘણા વખતથી વધી રહયા છે ત્યારે આ બિનઆરોગ્યપ્રદ ઋતુને લઈ ગાંધીનગર સિવિલ ઉપરાંત ખાનગી દવાખાના અને કલીનીકો પણ દર્દીઓથી ઉભરાતી દેખાઈ રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x