ગાંધીનગર: કોર્પોરેશનના વિસ્તારને પ્રશ્નોના ઝડપી નિરાકરણ અને વહીવટી સરળતા માટે ત્રણ ઝોનમાં વહેંચવામાં આવશે
ગાંધીનગર :
ગાંધીનગર મહાનગરપાલિકાનું વિસ્તરણ કરીને આસપાસના ગ્રામ્ય વિસ્તારને સમાવી લેવામાં આવ્યો છે ત્યારે પ્રજાકીય પ્રશ્નોના ઝડપી નિકાલ અને વહીવટી સરળતા માટે ગાંધીનગરને ત્રણ ઝોનમાં વહેંચવાનું નક્કી કરવામાં આવ્યું છે. આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં મહેકમની નવી દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. જેને હવે મંજૂરી માટે સામાન્ય સભામાં મોકલી આપવામાં આવશે.
ગાંધીનગર કોર્પોરેશનની રચના કરવામાં આવી ત્યારે ૧થી૩૦ સેક્ટરની સાથે આસપાસના સાત ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તરી ચૂક્યું છે અને આસપાસના અઢાર ગામ તેમજ પેથાપુર પાલિકાનો વિસ્તાર સમાવી લેવામાં આવ્યો છે. ત્યારે કોર્પોરેશનમાં અધિકારી કર્મચારીઓની પણ જરૂરિયાત ઊભી થઇ છે. આ સ્થિતિમાં આ વિસ્તારોમાં ઝડપી કામ થાય અને અધિકારીઓની જવાબદારી નક્કી થાય તે હેતુથી કોર્પોરેશનને ત્રણ ઝોનમાં વહેંચવાનું નક્કી કરવામાં આવ્યું છે. પ્રત્યેક ઝોનમાં એક નાયબ મ્યુનિસિપલ કમિશનર રાખવામાં આવશે. જેની નીચે અન્ય અધિકારી કર્મચારીઓને પણ જવાબદારી સોંપવામાં આવશે. ઝોન વહેંચાઈ જવાને કારણે નાગરિકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવશે. આ માટે ત્રણ અલગ-અલગ ઝોન કચેરી પણ બનાવવાનું આયોજન છે. જેના કારણે નાગરિકોએ કોર્પોરેશનની મુખ્ય કચેરી ધક્કા ખાવાની જરૂર નહીં પડે અને તેમની ઝોન કચેરીમાં જ તમામ કામગીરી પણ થઈ જશે. હાલ તો નવા મહેકમની દરખાસ્તને સ્થાયી સમિતિએ મંજૂરી આપી દીધી છે. જેને હવે આગામી દિવસોમાં મંજૂરી અર્થે સામાન્ય સભામાં મોકલી આપવામાં આવશે.