ઘર ઘર મોદી નહીં હવે અરહર મોદી મોંઘવારી મુદ્દે સંસદમાં રાહુલના ચાબખા
નવી દિલ્હી :
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે લોકસભામાં મોંઘવારી મુદ્દે મોદી સરકાર પર પસ્તાળ પાડી હતી. દેશમાં જે રીતે અનાજ, કઠોળ તેમજ આવશ્યક ચીજવસ્તુના ભાવ આસમાને પહોંચ્યા છે તે સંદર્ભમાં રાહુલ ગાંધીએ એનડીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર ચાબખા મારતાં કહ્યું કે બે વર્ષમાં મોદીએ દાળ, બટાટાં કે ટામેટાંના વધતા ભાવ અંગે ભેદી મૌન સેવ્યું છે. માર્કેટમાં હવે નવો નારો શરૂ થયો છે. લોકો હવે “અરહર મોદી”, “અરહર મોદી” એવો નારો લગાવી રહ્યાં છે. મોદીએ મેક ઈન ઈન્ડિયા હેઠળ એક પણ યુવાનને રોજગારી આપી નથી.
દેશમાં દાળ અને કઠોળના ભડકે બળી રહેલા ભાવથી માંડીને ક્રૂડઓઈલના ઘટેલા ભાવના લાભ લોકોને નહીં આપવા માટે રાહુલ ગાંધીએ મોદી સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. ચૂંટણી વખતે મોદી ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ હિમાચલ પ્રદેશનાં ભાષણમાં એવું કહેતા હતા કે, દેશકે સામને મહંગાઈ સબસે બડી સમસ્યા હૈ. ગરીબ કે ઘરમેં ચૂલ્હા નહીં જલતા મા-બચ્ચે રાતભર રોતે હૈ ઔર આંસુ પીકર સોતે હૈ. હમારી સરકાર સત્તા પર આયેગી તો મહંગાઈ કો કાબૂૂ કિયા જાયેગા, યે વિશ્વાસ દિલાતા હું, વાહ મોદીજી વાહ, ક્યા વાયદા થા, ક્યા ડાયલોગ થા. મોદીજી આપની સરકારને બે વર્ષ થયાં છતાં મોંઘવારી બેકાબૂ બની છે અને લોકોની થાળીમાંથી દાળ, બટાટાં, ટમેટાં છીનવાઈ ગયાં છે. તમે હવે મોંઘવારીની વાત જ નથી કરતા.