મહુવાને જીલ્લાનો દરજજો મળે તે માટે સર્વપક્ષીય, સર્વ સંસ્થાકિય, પરિણાત્મક રજૂઆતની જરૂરીયાત
મહુવા: મહુવા શહેર ભાવનગર જીલ્લાનું ભાવનગર શહેર પછીનું સૌથી મોટુ ઔદ્યોગિક શહેર છે. મહુવા છેલ્લા કેટલાક સમયથી જીલ્લાનો દરજ્જો ઝંખી રહ્યું છે. મહુવાના સર્વાંગી વિકાસ માટે મહુવાને જીલ્લાનો દરજજો મળે તે માટે સર્વપક્ષીય, સર્વ સંસ્થાકિય, પરિણાત્મક રજૂઆતની જરૂરીયાત છે. આગામી તા.29/7ને શુક્રવારે રાજ્યના મુખ્યમંત્રી મહુવા આવનાર હોય મહુવાને રાજયના 34 માં જીલ્લાનો દરજ્જો મળે તે માટે પરિણાત્મક રજૂઆતની આગેવાની કોણ લેશે? તેવો પ્રશ્ન આમ જનતામાં ઉભો થવા પામેલ છે.રાજ્યમાં હાલ 33 જીલ્લા કાર્યરત છે. જેમાં ડાંગ, પોરબંદર 3 તાલુકાના જીલ્લા છે. ગાંધીનગર, દેવભુમિ દ્વારકા, બોટાદ 4 તાલુકાના જીલ્લા છે.
મોરબી, નર્મદા, તાપી 5 તાલુકાના જીલ્લા છે. ગીર સોમનાથ, જામનગર, નવસારી, વલસાડ, અરાવલી, છોટા ઉદેપુર 6 તાલુકાના જીલ્લા છે. ભાવનગર જીલ્લોને 10 તાલુકા હોય તેમાંથી મહુવા, તળાજા, મહુવાને અડીને આવેલા અમરેલી જીલ્લાના રાજુલા, સાવરકુંડલા વગેરે વિસ્તારને સુચિત મહુવા જીલ્લામાં જોડી શકાય તેમ છે. જેથી કરીને મહુવાનો સંર્વાગી વિકાસ થાય અને અમરેલી, ભાવનગર જીલ્લા પ્રશાસન વિસ્તાર ધટતા વ્યવસ્થિત રીતે જે તે જીલ્લાનો વિકાસ સાધવા યોગ્ય રીતે જીલ્લાનું વહિવટી તંત્રશાસન કરી શકે.
મહુવા શહેર અને તાલુકાના લોકોની વિદ્યા ભુખ સંતોષવા શાળા, કોલેજની ઉત્તમ સુવિદ્યાઓ, રાજ્યની પ્રથમ 10 બજાર સમિતિમાં સમાવિષ્ટ મહુવાની ખેતીવાડી ઉતપન્ન સમિતિની સેવાઓ, આરોગ્ય ક્ષેત્રે સરકાર સંચાલિત સબ ડિસ્ટ્રીક જનરલ હોસ્પિટલ, સમગ્ર વિસ્તારમાં ખ્યાતનામ એવી હનુમંત હોસ્પિટલ, સમગ્ર ગુજરાતની દેશમાં વખણાતો ગાંધીબાગ, સ્વીમીંગ પુલ, ખાદીગ્રામ ઉદ્યોગ ભંડાર, સાથે સહકારી, ખાનગી અને રાષ્ટ્રીકૃત વિવિધ બેંકો મહુવામાં કાર્યરત છે.
મહુવામાં વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વિજળી અને શિક્ષણની ઉત્તમ સુવિધાઓ, તબીબી સેવાઓ ઉપરાંત મહુવા ખાતે કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ન્યાય મેળવવા માટે અદાલતની ઉત્તમ સુવિદ્યાઓ કાર્યરત છે. મહુવામાં વિભાગીય પોલીસ અધિકારી, પ્રાંત કચેરી, આસિ. ડિસ્ટ્રીકટ જજ સાહેબની કોર્ટ, જુનીયર-સિનિયર અને પ્રિન્સિપાલ સિવિલ જજ સાહેબની કોર્ટ, સાંધ્ય કોર્ટ આવેલી છે. ઔધોગિક ક્ષેત્રે મહુવા આસપાસના ગામો વિકાસ પામી રહ્યાં છે. આ વિકાસમાં હરફાળ લાવવા અને મહુવાનું સંર્વાગી વિકાસ સાધવા મહુવાને જીલ્લાનો દરજ્જો અપાવવા અને તેવા ગામડાઓ જીલ્લામાં ઉમેરવા માટે સર્વપક્ષીય પરિણાત્મક રજુઆતની જરૂર છે.
મુખ્યમંત્રીને રજુઆત કરાશે
મહુવાને જીલ્લો બનાવવા સરકારમાં રજુઆત કરેલ પરંતુ સૌરભભાઇ પટેલ તેમના મત વિસ્તાર બોટાદને જીલ્લો બનાવી દેતા જીલ્લો બનવા લાયક મહુવા જીલ્લાના દરજ્જાથી વંચીત રહેલ. આથી રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ મહુવા આવી રહ્યાં છે. ત્યારે મહુવાને જીલ્લો બનાવવા મહુવા ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ દ્વારા લેખીત રજુઆત કરવામાં આવશે