ગુજરાત

ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ શ્રી ખોડલધામ મંદિરે નવ દિવસ ધામધૂમથી ઉજવાશે ચૈત્રી નવરાત્રિ

રાજકોટઃ

હિંદુ ધર્મમાં ધામધુમથી ઉજવાતી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. ચૈત્રી નવરાત્રીમાં ભક્તો દ્વારા મા દુર્ગાની વિશેષ આરાધના કરવામાં આવતી હોય છે. ચૈત્રી નવરાત્રીમાં વિશેષ ફળની પ્રાપ્તિ માટે ભક્તો માતાજીની ઉપાસના કરતા હોય છે. માતાજીને પ્રસન્ન કરવા ભક્તો દ્વારા અનોખી ભક્તિ કરવામાં આવતી હોય છે. ભક્તો ચૈત્રી સુદ એકમથી લઈને નોમ સુધી મા દુર્ગાની પૂજા અર્ચના કરતા હોય છે.નવરાત્રીના પ્રથમ દિવસે ઘટસ્થાપનની સાથે સાથે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવતી હોય છે. ખાસ કરીને મહિલાઓને મા શૈલપુત્રીની પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે. પ્રથમ નવરાત્રીથી જ હિંદુ નવવર્ષનો પ્રારંભ થાય છે.

         ત્યારે ચૈત્રી નવરાત્રિના પ્રારંભથી જ વિશ્વ પ્રસિદ્ધશ્રી ખોડલધામ મંદિર ખાતે ભક્તિમય માહોલની વચ્ચે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. મા ખોડલની ભક્તિમાં ભાવિકો લીન થઈ ગયા છે. ચૈત્રી નવરાત્રિમાં નવ દિવસ સુધી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ખોડલધામ મંદિરે વિવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના સ્વપ્નદ્રષ્ટા શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ચૈત્રી નવરાત્રિની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી રહી છે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન શ્રી ખોડલધામ મંદિરે અલગ અલગ ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગરબા, મંત્રોચ્ચાર, રંગોળી, હવન, સત્યનારાયણ ભગવાનની કથા, અન્નકૂટ સહિતના સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો દરરોજ શ્રી ખોડલધામ મંદિર ખાતે કરવામાં આવી રહ્યા છે.

આજ રોજ તારીખ 2 એપ્રિલના રોજ ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે શ્રી ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ અને ચાંદલીની મહિલાઓ દ્વારા ગરબા અને મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શ્રી ખોડલધામ તાલુકા મહિલા સમિતિ- ગોંડલની મહિલાઓ દ્વારા મંદિર પરિસરમાં મંદિર અને મુખ્ય પ્રવેશદ્વારની વચ્ચે વિશાળ આકર્ષક રંગોળી બનાવવામાં આવી હતી.પ્રથમ નોરતે રાજકોટ, ચાંદલી અને ગોંડલની મહિલા સમિતિની મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી.

આજ રોજ ચૈત્રી નવરાત્રિનો પ્રથમ દિવસ હોય મોટી સંખ્યામાં ભાવિકો પણ મંદિર દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને મા ખોડલના દર્શનનો લ્હાવો લઈ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x