ઢોર નિયંત્રણ કાયદા સામે માલધારી સમાજની અનશન કરવાની ચીમકી
ગાંધીનગર :
રખડતા ઢોરને પગલે પશુ માલિક સામે પોલીસ કેસ કરવાનો કાયદો વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો છે. ત્યારે ઢોર માટેના કાળા કાયદાને રદ કરવાની માંગણી સાથે ગુજરાત માલધારી મહાપંચાયતે આગામી તારીખ 19મી એપ્રિલ મંગળવારે સત્યાગ્રહ છાવણી ખાતે અનશનની ચીમકી ઉચ્ચારી છે. ગાંધીનગરના શેરથા ખાતે મળેલી બેઠકમાં માલધારી સમાજે નિર્ણય લીધો છે. સરકારે રખડતા ઢોરને નિયંત્રીત કરવા તેમજ શહેરમાં પશુ રાખવા ફરજીયાત લાયસન્સ લેવા અને પકડાયેલા પશુના માલિકને દંડ તથા સજાની જોગવાઇનો ઢોર નિયંત્રણ કાયદો વિધાનસભામાં પસાર કર્યો છે. પશુઓ માટેના કાયદાને દુ૨ ક૨વા ગુજરાત માલધારી મહાપંચાયત દ્વારા સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ અપાયુ હતું. ત્યારબાદ સરકાર તરફથી અલગ અલગ નિવેદનોથી માલધારી સમાજમાં રોષ ઉઠવા પામ્યો છે. આથી ગુજરાત માલધારી મહાપંચાયતની એક બેઠક વડવાળા મંદિર શેરથા ખાતે મળી હતી. તેમાં સરકાર પશુ માટેનો કાળો કાયદો રદ નહી કરે તો 18મી એપ્રિલ સોમવારે રાજ્યભરના તમામ જિલ્લા ક્લેક્ટર કચેરી સામે ધરણાં કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. ત્યારબાદ 19મીએ સમાજના 11 આગેવાનો સત્યાગ્રહ છાવણી, સેક્ટર-6, ગાંધીનગર ખાતે અનસન ઉપર બેસશે તેમ ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજીભાઇ દેસાઇએ જણાવ્યું છે.