ગાંધીનગર : આજે PM મોદી અડાલજ ખાતેના અન્નપૂર્ણાધામનાં છાત્રાલયનું ઉદ્દઘાટન કરશે
ગાંધીનગર :
અડાલજ અન્નપુર્ણાધામ ટ્રસ્ટ ખાતે કુમાર છાત્રાલય, શિક્ષણ સંકુલ તેમજ જનસહાયક ટ્રસ્ટ હીરામણિ આરોગ્ય ધામનું ભૂમિપૂજન આજે PM નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી કરશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ હાજર રહેશે. સવારે સાડા નવ કલાકે અડાલજ-કોબા રોડ પર સ્વામીનારાયણ ફાર્મ ખાતે કાર્યક્રમ યોજાશે. જનસહાયક ટ્રસ્ટ તથા અન્નપુર્ણાધામ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને કહ્યું હતું કે, અન્નપુર્ણા મંદિર ખાતે 9000 ચોરસવાર જમીન પર 50 કરોડના ખર્ચે 58000 ચીરસફૂટના બાંધકામ સાથેનું હીરામિણ આરોગ્યધામ બનશે. જેમાં એક સાથે 14 વ્યક્તિઓના ડાયાલીસીસ થઈ શકે તેવી સુવિધા ઉભી ક૨વામાં આવશે. જેમાં બ્લડ અને દવા 24 કલાક મળી રહે તેવી સુવિધા અપાશે. બીજી તરફ અન્નપુર્ણાધામ ટ્રસ્ટ દ્વારા અડાલજ ખાતે 600 વિદ્યાર્થીઓને રહેવા તેમજ જમવાની અધ્યતન સુવિધા યુક્ત છાત્રાલય બનાવાયું છે. જીપીએસસી, યુપીએસસીના ટ્રેનિંગ સેન્ટર, ઈ-લાઈબ્રેરી સાથે અંદાજે 25 કરોડના ખર્ચે હોસ્ટેલ બની છે. જેમાં 150 રૂમ, 200ની ક્ષમતાની ઈ-લાઈબ્રેરી, વીઆઈપી ગેસ્ટરૂમ, ડાઈનિંગ સહિતની સુવિધાઓ ઉભી ક૨વામાં આવી છે આ માટે આયોજન મુજબ હાલમાં તમામ તૈયારીઓ સંપન્ન કરી દેવામાં આવી છે.