સુરતમા શાળા શરૂ કરવા માટે બોગસ દસ્તાવેજ રજૂ કરનાર આરોપી મેહુલ કાનપરિયા પકડાયો
ગાંધીનગર :
સુરતમાં શાળા શરૂ કરવા માટે ત્રણ વર્ષ અગાઉ ગાંધીનગરની માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીમાં જમીનના બોગસ દસ્તાવેજ રજુ કરનાર સામે સેકટર-૭ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો. જેના આધારે ત્રણ વર્ષથી ફરાર આરોપીને એલસીબીની ટીમે સુરતમાંથી ઝડપી લીધો છે. જેની પૂછપરછમાં વધુ વિગતો બહાર આવવાની શકયતા જોવાઈ રહી છે. બનાવટી દસ્તાવેજોના આધારે ઘણી સરકારી કચેરીઓમાં કામ કરવામાં આવતા હોય છે ત્યારે ગાંધીનગર શહેરના સેક્ટર-૧૦માં આવેલી માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીમાં ત્રણ વર્ષ અગાઉ સુરત ખાતે શાળા શરૂ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. જોકે આ દરખાસ્તમાં રજૂ કરવામાં આવેલા કાગળો પૈકી જમીનના હકક પત્રક અને તાલુકા પંચાયતના બીયુના પ્રમાણપત્ર બનાવટી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ મામલે સેકટર-૭ પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે આ ગુનામાં આરોપી એવો સુરતની કડોદરા વિદ્યાલયમાં મેનેજમેન્ટ વિભાગમાં નોકરી કરતો મેહુલ હિંમતભાઈ કાનપરિયા રહે, ૭૪ નીલકંઠ રેસિડેન્સી, કામરેજ સુરત ફરાર થઈ ગયો હતો. છેલ્લા ત્રણ વર્ષથી ગાંધીનગર પોલીસ આરોપીને શોધી રહી હતી તે દરમિયાન એલસીબીએ બાતમીના આધારે તેને ઝડપી લીધો છે અને સેક્ટર ૭ પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછમાં ખોટા દસ્તાવેજ બનાવવામાં કોની કોની ભાગીદારી હતી તે ખુલવાની શક્યતા છે. તો આ પ્રકારે અન્ય કોઈ સરકારી કચેરીમાં બોગસ દસ્તાવેજો રજુ કર્યા છે કે નહીં તેની પણ વિગતો ખુલી શકે છે.