કલોલની ભરબજારમાં છરીના સાત ઘા મારી યુવતીની કરપીણ હત્યા કરી
ગાંધીનગર :
થોડા સમય પહેલા જ થયેલ સુરતમાં ગ્રીષ્મા હત્યાકાંડની શાહી હજુ સુકાઇ નથી ત્યારે ગાંધીનગરના કલોલ શહેરમાં પણ આવી જ ઘટના બનવા પામી છે. છુટાછેડા થયા બાદ પત્નિને પરત લાવવા માંગતા યુવાને શુક્રવારે સાંજના પાંચ વાગ્યાના સુમારે નવજીવન મીલ કંમ્પાઉન્ડમાં જ પૂર્વ પત્નિ ઉપર છરીના ઉપરા છાપરી સાત ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારીને ફરાર થઇ ગયો હતો. આ ઘટનાને પગલે બજારમાં રીતસરનો સોંપો પડી ગયો હતો. રાજ્યમાં યુવતિઓ ઉપર હત્યા અને હુમલાની ઘટના દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને યુવતિની છરીના ઘા ઝીંકીને હત્યા કરી હતી ત્યાર બાદ આ પ્રકારની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો અમદાવાદ અને વડોદરામાં પણ યુવતિઓ આ પ્રકારના હુમલાનો ભોગ બની હતી.ત્યારે ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં પણ આવી જ ઘટના બની છે. કલોલ શહેરમાં રહેતા યુવાન ભાવેશ ધરમદાશ કેશવાણીના લગ્ન એક વર્ષ અગાઉ કલોલમાં પૂર્વ વિસ્તારની દેવીકૃપા સોસાયટીમાં રહેતી હેમાબેન પરમાનંદ રંગવાણી સાથે થયા હતા. લગ્નજીવન બાદ બન્ને વચ્ચે પ્રશ્નો ઉભા થયા હતા અને તેના કારણે હેમા અને ભાવેશે છુટાછેડા લઇ લીધા હતા જો કે, ભાવેશ તેને પરત લાવવા માંગતો હતો અવારનવાર હેમાને ફોન કરીને સમજાવતો હતો પરંતુ હેમા તૈયાર થઇ ન હતી ત્રણ દિવસ અગાઉ પણ બન્ને વચ્ચે મોબાઇલ ઉપર સંપર્ક થયો હતો જેમાં ભાવેશે પરત નહીં આવે તો મારી નાંખવાની ધમકી પણ આપી હતી. દરમિયાન આજે કલોલ શહેરમાં આવેલા નવજીવન મીલ કંપાઉન્ડમાં બ્યુટીપાર્લરમાં મહેંદી મુકાવીને હેમાં ઘરે પરત જઇ રહી હતી તે સમયે ભાવેશ ત્યાં આવી પહોંચ્યો હતો. હેમાં પસાર થઇ કે તુરંત જ તેના હાથમાં રહેલી છરી વડે હુમલો કરી દીધો હતો. ઉપરા છાપરી સાત જેટલા ઘા ઝીંકવામાં આવતા હેમા ત્યાં જ ઢળી પડી હતી તો ભાવેશ ત્યાંથી ભાગી છુટયો હતો. આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ગંભીર હાલતમાં હેમાને નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી જ્યાં ફરજ પરના તબિબે તેણીને મૃત જાહેર કરી હતી. આ ઘટનાને પગલે દોડી આવેલી પોલીસે હેમાના પિતાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવા તજવીજ શરૂ કરી છે. તો ફરાર થઇ ગયેલા હત્યારા ભાવેશની શોધખોળ માટે ટીમો દોડતી કરાઇ છે.