PM મોદી ૧૦ મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકા પહોંચ્યા
કંપાલા :
વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુગાન્ડાથી આજે દક્ષિણ આફ્રિકા પહોંચી ગયા છે. અહીં તેઓ ૧૦મા બ્રિક્સ સંમેલનમાં ભાગ લેશે. આ અગાઉ પોતાની પાંચ દિવસની યાત્રા દરમિયાન મોદીએ રવાન્ડા અને યુગાન્ડાનો પ્રવાસ કર્યો હતો. આફ્રિકા માટે રવાના થતાં પહેલાં મોદીએ યુગાન્ડાની સંસદમાં ભારત અને આફ્રિકાના સંબંધોની વાત કરી હતી. અહીંની સંસદમાં ભાષણ આપનાર મોદી પ્રથમ ભારતીય વડા પ્રધાન છે. બ્રિક્સ સંમેલન દરમિયાન મોદી અહીં રશિયાના પ્રમુખ પુતિન અને ચીનના પ્રમુખ જિનપિંગને મળશે.
મોદીએ જણાવ્યું હતું કે આફ્રિકાના વિકાસ માટે અમે ડિજિટલ ક્રાંતિનો અનુભવ શેર કરીશું. ડિજિટલ સાક્ષરતા લાવવા અને પાયાના સ્તરના લોકોને મુખ્ય પ્રવાહ સાથે જોડવા અમે તમામ મદદ કરીશું. આફ્રિકાની સાથે ભાગીદારી માટે વડા પ્રધાને ૧૦ મુદ્દાઓ પણ જણાવ્યા હતા.
મોદીએ જણાવ્યું હતું કે આફ્રિકા અમારી પ્રાથમિકતાઓની ટોચ પર રહેશે. આફ્રિકા સાથે ભાગીદારીને વધુ ગહન બનાવવા અમારા પ્રયાસો જારી રહેશે. બંને દેશ પોતાનાં બજાર ખુલ્લાં રાખશે અને ભારત સાથે વ્યાપાર કરવા માટે તેને વધુ આકર્ષક બનાવાશે. આફ્રિકાના વિકાસને સમર્થ કરવા ડિજિટલ ક્રાંતિ સાથે ભારત પોતાના અનુભવ શેર કરશે. ભારત આફ્રિકામાં કૃષિ સુધારા માટે પણ કામ કરશે. બંને દેશોની ભાગીદારી ક્લાઈમેન્ટ ચેન્જના પડકારોનો મુકાબલો કરશે. આતંકવાદનો પણ સંયુક્ત રીતે મુકાબલો કરવામાં આવશે.