કોંગ્રેસ હવે ગંગા જેવી પવિત્ર થઈ રહી છે, સરદારના વારસ ગદ્દાર ન હોય : પરેશ ધાનાણી
ગાંધીનગર :
2017ની ચૂંટણીમાં ભાજપને પછાડવા માટે તનતોડ મહેનત કરનાર પાટીદાર નેતા હાર્દિક પટેલની રાજકીય કારકિર્દી કૉંગ્રેસ સાથે શરૂ થઈ હતી. એમાં હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસનું કાર્યકારી પ્રમુખ પદ પણ આપવામાં આવ્યું હતું, પરંતુ કોંગ્રેસની નીતિરીતિથી નારાજ હાર્દિક પટેલે વારંવાર કોંગ્રેસના હાઇકમાન્ડને રજૂઆત અને ફરિયાદ પણ કરી હતી, પરંતુ એનો કોઈ ઉકેલ ના આવતાં અંતે હાર્દિકે કૉંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે. કોંગ્રેસની ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીથી માંડીને ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આડકતરી રીતે હાર્દિક પર પ્રહારો કર્યાં બાદ હાર્દિકની ઇચ્છા હતી કે કોંગ્રેસ તેને પાર્ટીમાંથી કાઢી મૂકે. જો આમ થાય તો એક યુવાન પાટીદાર નેતાને કોંગ્રેસે અન્યાય કર્યો તેવી સહાનુભૂતિ મેળવી શકાય, પરંતુ કોંગ્રેસે તેમ ન કર્યું. ત્યારે કોંગ્રેસ નેતાઓએ નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. ફાર્મહાઉસ બેઠક બાદ જગદીશ ઠાકોરે કહ્યું કે અમે નરેશ પટેલ સાથે મુલાકાત કરી, નરેશ પટેલ સાથે રાજકીય કોઈ ચર્ચા થઇ નથી. બીજી તરફ કૉંગ્રેસ પાર્ટીના વિવિધ નેતાઓ તરફથી પણ હાર્દિક પટેલ વિશે ટિપ્પણી કરવામાં આવી રહી છે. આ જ કડીમાં કૉંગ્રેસના પીઢ નેતા અર્જુન મોઢવાડિયાએ હાર્દિક પટેલને મજૂર ગણાવ્યો છે. અર્જુન મોઢવાડિયાએ કહ્યુ છે કે, હાર્દિક પટેલને જતો રોકી ન શકાય. રાજકોટ ખાતે આજે કૉંગ્રેસની એક બેઠક મળી રહી છે. આ મામલે મીડિયાને સંબોધતા કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, “સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના આગેવાનોની આજે બેઠક મળી રહી છે. ઉદેપુરમાં યોજાયેલી ચિંતન શિબિર બાદ ત્યાં લેવાયેલા નિર્ણયોનો અમલ કેવી રીતે કરવો તેના વિશે બેઠકમાં ચર્ચા થશે. કૉંગ્રેસ પાર્ટી 2022 અને 2024ની ચૂંટણી માટે તૈયાર છે.”
મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, “દેશની પ્રજા ખૂબ દુઃખી છે. 30 વર્ષ પહેલા દેશની જેવી સ્થિતિ હતી તેના કરતા પણ આજે બદતર સ્થિતિ છે. મોંઘવારી, બેકારી પરાકાષ્ઠાએ છે. રાજ્ય સરકારનો ભ્રષ્ટાચાર પણ પરાકાષ્ઠાએ છે. આ સમયે પ્રજાના પડખે ઊભા રહીને તેમના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવવું તેના વિશે ચર્ચા કરવામાં આવશે.” કૉંગ્રેસમાંથી નેતાઓ જઈ રહ્યા હોવા મામલે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યુ હતુ કે, “જેમણે મન બનાવી લીધું હોય તેમના વિશે કંઈ ન કહી શકાય. પ્રજાના પડખે ઊભા રહેવાની તૈયારી ન હોય. નામ બની જાય એટલે બધુ જ આપો એવું ન થઇ શકે. કૉંગ્રેસ નહીં, બીજી પણ ન મળે. લોકો ભારતીય જનતા પાર્ટીમાં એટલા માટે જાય છે કે તેમને એવું લાગે છે કે ત્યાં બધાને જલસા છે. ભાજપમાં ફક્ત 100 લોકોને જ લસા છે, બાકી બધા મજૂર છે. કૉંગ્રેસમાં મજૂરી નથી કરવી તો હવે તે ભાજપમાં કેવી રીતે કરશે?”
તો આ તરફ પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અમે નરેશ પટેલની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. કોંગ્રેસ હવે ગંગા જેવી પવિત્ર થઈ રહી છે ત્યારે સારા લોકો ફરી પાછા સમાજને શક્તિ આપવા માટે આગળ આવે. સારા લોકોએ કોંગ્રેસમાં જોડાવુ જોઈએ. ધાનાણીને મીડીયા મિત્રોએ સતત નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે કે નહીં તેના પર સવાલો કર્યા હતા તેના ગોળ ગોળ વાત કરી કહ્યું હતું કે ચા નાસ્તો અને મળવા આવ્યા હતા. હાર્દિક પર આડકતરી રીતે નિશાન સાધતાં કહ્યું કે સરદારના વારસ ગદ્દાર ન હોય અને ગદ્દાર હોય એ સરદારના વારસ ન હોય. તો બીજી તરફ લલીત વસોયાએ જણાવ્યું કે હાર્દિક કઇ પાર્ટીમાં જોડાય તે પછી કહી શકાય, દરેક વ્યક્તિ પોતાનો નિર્ણય લેવા સક્ષમ છે. પ્રજાએ મારા પર મુકેલા વિશ્વાસને હુ ડુબવા નહીં દઉં હાર્દિક પટેલ એકલો જાય છે એની સાથે કોઈ છે નહીં, જો અમે જવાના હોત તો પહેલા જ જતાં રહ્યા હોત, કોના વાથી કાયદો કે નુકસાન થશે તે તો સમય બતાવશે. હું કોંગ્રેસ સાથે છું અને રહેવાનો છું.