નીતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજા વચ્ચે થઈ બબાલ, જાણો વધુ…
ગાંધીનગર :
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાના સંબંધોમાં લાંબા સમયથી ખટાશ આવી ગઈ છે, પણ તાજેતરમાં એક ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટરની બદલીના મામલે નીતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજા સામ-સામે આવી ગયા હતા. આખરે મામલો મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી પહોંચતા તેમણે વચલો રસ્તો કાઢી ઈન્સપેક્ટરની બદલી કરી દેવા પ્રદિપસિંહ જાડેજાને કહ્યું હતું.
ઘટનાની શરૂઆત તા 23 જૂન, 2018થી થઈ હતી. મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનને કોર્ટ તરફથી મળતા સમન્સ અને વોરંટમાં એક સમન્સ મહેસાણા તાલુકાના ભાજપના પ્રમુખ પ્રહલાદ પટેલનું પણ હતું. પ્રહલાદ પટેલ ભાજપના પ્રમુખ હોવાને કારણે સ્થાનિક પોલીસ તેમને ઓળખતી પણ હતી. કોર્ટ ડ્યૂટીમાં રહેલા હેડકોન્સટેબલે પ્રહલાદ પટેલને ફોન કરી જાણ કરી હતી કે તમારું એક વોરંટ મહેસાણા કોર્ટમાંથી નીકળ્યું છે, તો તમે કોર્ટમાં હાજર થઈ વોરંટ રદ કરાવી લો. પ્રહલાદ પટેલ સામે ચેક રિર્ટન જવાના કેસ સહિત અને ગુના કોર્ટમાં વર્ષોથી પેન્ડિંગ ચાલી રહ્યાં છે.
પ્રહલાદ પટેલને પોલીસનો ફોન આવ્યા બાદ તેમણે કોર્ટમાં જઈ વોરંટ રદ કરાવવાને બદલે તેઓ સીધા પોલીસ સ્ટેશન આવી ગયા હતા. પ્રહલાદ પટેલ સામે વોરંટ હોવાને કારણે તેઓ સામે ચાલી પોલીસ સ્ટેશન આવી જતા હવે પોલીસ માટે તેમને કોર્ટમાં રજૂ કરી દેવા જરૂરી બન્યું હતું. હેડ કોન્સટેબલ દ્વારા આ અંગે ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર બારોટને જાણ કરતા તેમણે પણ સલાહ આપી હતી કે પોલીસ સ્ટેશનમાં CCTV લાગેલા છે. આ સંજોગોમાં હવે તેઓ સામે ચાલી પોલીસ સ્ટેશન આવી ગયા છે તો કોર્ટમાં રજૂ કરી દો.
આથી એક હેડકોન્સટેબલ અને પ્રહલાદ પટેલ કોર્ટમાં ગયા હતા, પણ મેજીસ્ટ્રેટ ઘરે જતા રહ્યા હોવાને કારણે પોલીસ તેમને મેજીસ્ટ્રેટના ઘરે લઈ ગઈ હતી. વર્ષોથી પ્રહલાદ પટેલ સામે સમન્સ નીકળી રહ્યા હતા અને કેસ પેન્ડિંગ હોવા છતાં તેઓ કોર્ટમાં હાજર થતાં ન્હોતા, જેના કારણે મેજીસ્ટ્રેટ દ્વારા નારાજગી વ્યક્ત કરી ફરિયાદીના નીકળતા સાડા સાત લાખ ચૂકવી દેવા જોઈએ તેવી ટકોર કરી હતી પણ આ વખતે ત્યાં હાજર પ્રહલાદ પટેલના વકીલે મેજીસ્ટ્રેટ સામે દલીલો શરૂ કરતા મેજીસ્ટ્રેટે પ્રહલાદ પટેલને મહેસાણા જેલમાં મોકલી દેવા આદેશ આપ્યો હતો.
જેલમાં ગયા બાદ બે દિવસ બાદ પ્રહલાદ પટેલ જામીન ઉપર છૂટ્યાં હતા અને તેઓ ત્યાંથી પોતાના કાર્યકરો સાથે સીધા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાસે ગયા હતા. તેમણે રજૂઆત કરી કે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર બારોટે તેમને જેલમાં ધકેલી દીધા હતા. જો પોલીસ ભાજપના નેતાઓને પૂરી દેશે તો પ્રજા ભાજપને શું કામ મત આપશે, તેમની ધરપકડ થઈ હોવાને કારણે તેમના વિસ્તારના લોકો હવે લોકસભાની ચૂંટણીમાં ભાજપને મત આપશે નહીં. ત્યાર બાદ નીતિન પટેલે કાર્યકર્તાઓની હાજરમાં જ DGP શિવાનંદ ઝાને ફોન ઈન્સપેક્ટર બારોટની તાત્કાલીક બદલી કરવા આદેશ આપ્યો હતો.
નીતિન પટેલના ફોન બાદ ઈન્સપેક્ટર બારોટની તરત IB ગાંધીનગરમાં બદલીનો આદેશ પણ થઈ ગયો હતો, પરંતુ આ પ્રકરણની મહેસાણા DSPના જાણકારીમાં હોવાને કારણે તેમણે તરત ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને ફોન કરી સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા અને મહેસાણા તાલુકા પોલીસના CCTV ફૂટેજ પણ મોકલી આપ્યા હતા, જેમાં પ્રહલાદ પટેલ સામે ચાલી મોટર સાયકલ ઉપર પોલીસ સ્ટેશન આવે છે, પોલીસે તેમની સાથે કોઈ દુરવ્યવહાર પણ કર્યો ન્હોતો.
DSPની રજૂઆત બાદ પ્રદિપસિંહ જાડેજાએ DSPને આદેશ આપ્યો હતો કે ઈન્સપેક્ટર બારોટને મહેસાણાથી છૂટા કરવા નહીં. આમ બારોટની બદલી ઉપર પ્રદિપસિંહે રોક લગાવી હતી, જેના કારણે નીતિન પટેલ નારાજ થયા હતા. તેમણે પ્રદિપસિંહને કહ્યું હતું કે તાત્કાલીક બારોટને છૂટા કરી IBમાં મોકલી આપવામાં આવે, પરંતુ પ્રદિપસિંહની દલીલ હતી કે મહેસાણા પોલીસે કોર્ટના આદેશ પ્રમાણે જ કામ કર્યું છે, કોઈ રાજકીય કિન્નાખોરી રાખી પગલું લીધું હોય તેવું નથી. પોલીસ સ્ટેશન આવી ગયેલા પ્રહલાદ પટેલને કોર્ટમાં રજૂ કરવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ ન્હોતો.
આ ઉપરાંત પ્રહલાદ પટેલને જેલમાં મોકલી આપવાનો આદેશ કોર્ટનો હતો જેમાં પોલીસ કંઈ જ કરી શકે તેમ ન્હોતી. છતાં નીતિન પટેલે પોતાની મમત પકડી રાખી અને વિજય રૂપાણી સામે રજૂઆત કરી હતી કે તેઓ નાયબ મુખ્યમંત્રી હોવા છતાં પ્રદિપસિંહ તેમનો આદેશ માનતા નથી. આખરે CM રૂપાણી દ્વારા આ મામલે અહ્મનો ટકરાવ કરવાને બદલે બારોટે મહેસાણામાંથી ખસેડી દેવાનું કહ્યુ હતું. પોલીસ ઉપર કયા પ્રકારના રાજકીય દબાણ હોય છે અને રાજકારણીઓ કઈ રીતે પોલીસ તંત્રની હાલત કરે છે તેનું ઉત્તમ ઉદાહરણ છે પણ આ ઘટના પછી મહેસાણા પોલીસે વોરંટ બજવણી બંધ કરી દીધી હોવાની જાણકારી મળી છે.