2 ઓગષ્ટે પાટનગરનો 52મો સ્થાપના દિન, વિવિધ કાર્યક્રમો-કેક કાપી જન્મદિન ઉજવાશે
ગાંધીનગર : ગુજરાતના ઝડપી વિકસીત શહેર અને પાટનગર એવા ગાંધીનગરનો 2 ઓગષ્ટે 52મો હેપ્પી બર્થડે છે. માત્ર અડધી સદીનો ઇતિહાસ ધરાવતુ ગાંધીનગર રાજ્યનું કેપીટલ સિટી, ગ્રીન સિટી, ટ્વીન્સ સિટી, પોલીટીકલ સિટી તેમજ એજ્યુકેશન સિટી તરીકે બિરૂદ મેળવી ચૂક્યુ છે અને હવે સોલાર સિટી તરીકે ગાંધીનગરની નવી ઓળખ ઉભી થઇ રહી છે. આગામી સમયમાં ગાંધીનગર-અમદાવાદ એક થઇ જવા જઇ રહ્યાં છે. ગુજરાતના મોડેલ સિટી તરીકે ગાંધીનગરનો વિકાસ પુર ઝડપે કરવાના ચક્રો ગતિમાન થયા છે.
ગાંધીનગર શહેર વસાહત મહામંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે કેક કાપી જન્મદિન ઉજવાશે
એક સમયે માત્ર 320 પરિવારોના વસવાટથી ગાંધીનગર ધબકતુ થયુ હતું. તે પછી આજે મૂળ શહેરની વસ્તી 2.10 લાખ થઇ છે. જો કે ગાંધીનગર આસપાસના વિસ્તારોનો વિકાસ થતાં વિસ્તારના વધારા સાથે વસતીનો આંકડો 3 લાખે પહોંચ્યો છે.પાટનગરનાં સુંદર અને પહોળા રાજમાર્ગો, બગીચાઓ, સરકારી કચેરીઓની આધૂનિક ઇમારતો, વર્લ્ડ ક્લાસ બિલ્ડીંગ તરીકે જણીતુ મહાત્મા મંદિર, શૈક્ષણિક સંસ્થાઓ, વાંચનાલયો ધરાવતા પાટનગરે આજે દેશભરમાં એક આગવી ઓળખ ઉભી કરી છે.
એવા ગાંધીનગરના સ્થાપના દિનની ઉજવણી ગાંધીનગર શહેર વસાહત મહામંડળ દ્વારા પ્રતિ વર્ષ ભારે ધામધૂમથી ઉજવામાં આવે છે. જો કે ગત વર્ષે પૂર્વ રાષ્ટ્રપતિ ડો.અબ્દુલ કલામનું નિધન થતાં રાષ્ટ્રીય શોક જાહેર કરાતાં સ્થાપના દિનની ઉજવણીનો કાર્યક્રમ મોકુફ રખાયો હતો, પરંતુ આ વખતે કોઇ શોક ન હોવાથી ઉજવણી માટે તૈયારીઓ થઇ ચૂકી છે.
-સ્થાપના દિવસે ગાંધીનગરમાં કયા કયા સ્થળે કાર્યક્રમો યોજાશે
2 ઓગષ્ટે સવારે 9 વાગ્યે થર્મલ પાવર સ્ટેશન ખાતેના સ્થાપના સ્થળ ઉપર તમામ સ્વૈસ્છિક અને સામાજિક સંસ્થાના પદાધિકારીઓ, પાવર સ્ટેશનના અધિકારીઓ, કર્મચારીઓ, ધારાસભ્યો, મેયર અને તમામ રાજકીય પક્ષના આગેવાનો અને શહેરના અગ્રણીઓ હાજર રહશે અને કેક કાપી જન્મદિનની ઉજવણી કરવામાં આવશે. તેમાં સહભાગી થવા માટે નગરજનોને શહેર વસાહત મહામંડળના પ્રમુખ અરૂણ બૂચ દ્વારા આહવાન કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત સેક્ટર-23ની શેઠ સીએમ વિદ્યાલય અને વિવિધ શાળાનના વિદ્યાર્થીઓ એસઆરપી ગૃપ-12ના બેન્ડની સુરાવલી સાથે રેલી યોજશે. આ રેલી શેઠ સીએમ વિદ્યાલયના ગેઇટ-1થી નિકળી સેક્ટર-23, ઘ-5 થઇને પસાર થશે.
ગાંધીનગરનું નામ ક્યારે પડ્યું
મહાગુજરાત રાજ્યની સાતમી રાજધાની ગાંધીનગર બની હતી. ગુજરાત માટે નવું પાટનગર વસાવવાની વિચારણા પછી સૌ પ્રથમ કામ તેનું નામ નક્કી કરવાનું થયું હતું અને તા.16-03- 1960ના રોજ રાજધાનીનું નામ ગાંધીનગર જાહેર કરાયું હતું. પાંચ વર્ષ બાદ 2 ઓગષ્ટ 1965ના દિવસે શહેરનું બાંધકામ શરૂ કરવા માટેની પ્રથમ ઇંટ સકીર્ટહાઉસ માટે પેથાપુર જીઇબી કોલોની ખાતે મૂકાઇ હતી. સત્તાવાર રીતે શહેરને ગાંધીનગર નામ 23મી ડીસેમ્બર 1969ના રોજ અપાયું હતું અને 1લી મે 1970ના દિવસે ગાંધીનગર પાટનગર તરીકે કાર્યરત થયું હતું.