ધરોઈ ડેમ માંથી પાણી છોડાતાં ગાંધીનગરમાં સાબરમતી બે કાંઠે, ૧૦ ગામોના નાગરિકોને નદી કિનારે નહીં જવાની સૂચના અપાઇ
ગાંધીનગર :
ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી પાણી છોડાતાં ગાંધીનગરમાં સાબરમતી નદી બે કાંઠે થઈ છે. ગાંધીનગરના સંત સરોવર પાસે આજે સાંજે ૫.૦૦ વાગે ૮,૨૬૫ ક્યુસેક્સ પાણીની આવક થઈ રહી છે. સંત સરોવરના છ દરવાજા બે ફૂટ જેટલા ખોલીને ૧૩,૪૨૨ ક્યુસેક્સ પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં અને મુખ્યત્વે સાબરમતી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી ગાંધીનગરમાં પાણીનો આવરો વધવાની સંભાવનાને પગલે સંત સરોવર અને હેઠવાસના વિસ્તારોમાં ૧૦ ગામના લોકોને સાવચેતીના પગલાં તરીકે નદી કિનારે નહીં જવાની સૂચના ગાંધીનગર મામલતદાર તરફથી આપવામાં આવી છે.
આજે ધરોઈ બંધમાંથી ૫૭ હજાર ક્યુસેક્સ જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યાર પછી લાકરોડા બેરેજમાંથી ૮,૨૬૫ ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદ થયો હોવાથી ધરોઈ બંધમાંથી ૫૭,૦૦૦ ક્યુસેક્સ પાણી છોડવાના પરિણામે ગાંધીનગરમાં સંત સરોવર પાસે પાણીની આવક વઘશે.
સંત સરોવરનું ફૂલ રિઝર્વૉયર લેવલ ૫૫.૫૦ મીટર છે અત્યારે પાણીની આવક વધતા પાણીની સપાટી ૫૪.૩૦ મીટર જાળવવામાં આવી રહી છે. સંત સરોવરના ૨૧ દરવાજામાંથી છ દરવાજા બે ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે અને ૧૩,૪૨૨ ક્યુસેક્સ પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવી રહ્યું છે.
મધરાત પછી લાકરોડા બેરેજમાંથી વઘુ પાણી છોડવામાં આવે તેવી સંભાવનાને પગલે ગાંધીનગર મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરફથી સંત સરોવર અને હેઠવાસના ૧૦ ગામો; ઇન્દ્રોડા, શાહપુર, ધોળાકુવા, રાંદેસણ, રાયસણ, રતનપુર, વલાદ, જુના કોબા, કરાઈ અને નભોઈના નાગરિકો તથા તાલુકાના તમામ નાગરિકોને સંત સરોવર અને નદી કિનારે નહીં જવાની સૂચના આપવામાં આવી છે.